સોમવારે "એક પેડ માઁ કે નામ" થીમ હેઠળ સવારે વૃક્ષોરોપણ કરી પર્યાવરણનું જતન કરાશે
મોરબી : પર્યાવરણ જતન અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગ અને મોરબી જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 17/08/2026 ને સોમવારના રોજ ટંકારા ખાતે આવેલી આર્ય વિદ્યાલયમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
આ વર્ષે વન મહોત્સવની ઉજવણી "એક પેડ માઁ કે નામ" ના સુંદર સૂત્ર સાથે કરવામાં આવનાર છે. સવારે 10:00 કલાકે શરૂ થનારા આ કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયા રહેશે. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન ડોબરિયા, સંસદ સભ્યો વિનોદભાઈ ચાવડા, પરસોત્તમભાઈ રૂપાલા, કેસરીદેવસિંહ ઝાલા, પૂનમબેન માડમ, ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યો જીતેન્દ્રભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા અને મેઘજીભાઈ ચાવડા સહિતના અન્ય મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.
કાર્યક્રમ સવારે 10 વાગ્યે દીપ પ્રાગટ્યથી શરૂઆત થશે. ત્યારબાદ સ્વાગત ગીત, મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવશે. મહાનુભાવોના ઉદ્બોધન બાદ કાર્યક્રમના અંતિમ ચરણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને વૃક્ષરથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. વન વિભાગ દ્વારા આ પર્યાવરણલક્ષી કાર્યક્રમમાં પધારી સહભાગી થવા માટે નાગરિકોને હાર્દિક અને હરિત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.