મોરબી : માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામના પાટિયા પાસે રેલવેના પાટા પર કુદરતી હાજતે ગયેલા મૂળ કચ્છના વતની આધેડનું રેલવે ટ્રેનના એન્જીન હડફેટે આવી જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આધેડને કાનમાં બહેરાશ હોય ટ્રેનના એન્જીનનો અવાજ ન સંભળાતા તેઓ એન્જીનની ઠોકરે ચડી ગયાના આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે તપાસ શરૂ કરી છે.
મૂળ કચ્છના કલ્યાણપર ગામના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામના પાટિયા પાસે આવેલ વાસુકી કોલ ડેપોમાં કામ કરતા પ્રેમજીભાઇ ધનાભાઇ રાકાણીએ માળીયા મિયાણા પોલીસને જાણ કરતા જણાવ્યું હતું કે, ગત તા.14ના રોજ સાંજના સમયે રાપર કચ્છના ત્રંબો ગામના વતની ગોરાભાઇ ખેતાભાઇ અખીયાણી ઉ.વ.55 વાસુકી કોલ નજીક રેલવેના પાટા પર કુદરતી હાજતે ગયા હતા, બરાબર આ જ સમયે અહીંથી ધસમસતું રેલવે એન્જીન પસાર થયું હતું પરંતુ મૃતક ગોરાભાઈને કાનમાં બહેરાશ હોય એન્જીનનો અવાજ ન સંભળાતા એન્જીન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા તાલુકા પોલીસે અક્સમાતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.