મોરબી : મોરબી શહેરના લાયન્સનગર વિસ્તારમાં એક યુવકે લિવ-ઇન પાર્ટનરને વીડિયો કોલ કર્યો હતો અને આ વિડીયો કોલ દરમિયાન જ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા મારફતે પરિચયમાં આવેલા યુવક અને યુવતી મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા. જોકે, થોડા દિવસ અગાઉ યુવતી પોતાના ઘરે પરત ફરી હતી અને ત્યારબાદ પાછી ન આવતાં યુવક માનસિક રીતે વ્યથિત બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.
મૃતક યુવક હિતેશ મનસુખભાઈ ધમાલ (ઉંમર 26) એ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ મુજબ, હિતેશનો લગભગ ત્રણ મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવતી સાથે સંપર્ક થયો હતો. સમય જતાં આ પરિચય પ્રેમ સંબંધમાં બદલાયો અને બાદમાં બંનેએ મૈત્રી કરાર કરીને છેલ્લા ત્રણ મહિના સુધી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. થોડા સમય પહેલા યુવતી પોતાના ઘરે ગઈ હતી, પરંતુ પરત ન ફરતાં હિતેશને ભારે લાગી આવ્યું હતું. આ દરમિયાન હિતેશે યુવતીને વીડિયો કોલ કર્યો હતો અને તે કોલ દરમિયાન જ તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ હાલ સામે આવ્યો છે. યુવતી પરત ન આવવાના કારણે યુવક ભાવનાત્મક તણાવમાં આવી આ અંતિમ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. આ મામલે મોરબી બી-ડિવિઝન પોલીસે ઘટના અંગે નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે.