Monday - Apr 27, 2026

મોરબીમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે યુવાનની ધરપકડ

મોરબીમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે યુવાનની ધરપકડ

28.780 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત રૂ.5.35 લાખનો મુદામાલ કબ્જે, એમડી ડ્રગ્સ મુંબઈના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે શહેરના યુવાધનને હાનિકારક નશીલા દ્રવ્ય મેફેડ્રોન ડ્રગ્સના રવાડે ચડાવવાના રેકર્ટનો પર્દાફાશ કર્યો હતો અને પોલીસે મોરબીમાં આરોગ્ય માટે અત્યંત ખતરનાક એમડી ડ્રગ્સ ઘુસાડવાના કારસ્તાનને નિષ્ફળ બનાવ્યું હતું. જેમાં પોલીસે દિવાળી નિમિતે પેટ્રોલિંગ દરમિયાન શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં કારમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બેઠો હોવાનું માલુમ પડતા શંકાસ્પદ લાગતી આ કારની તલાશી લેતા કારમાંથી 28.780 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. આથી પોલીસની તપાસમાં આ શખ્શે એમડી ડ્રગ્સ મુંબઈના એક નામચીન શખ્સ પાસેથી લીધું હોવાનું ખુલ્યું છે. પોલીસે 28.780 મેફેડ્રોન ડ્રગ્સ કાર, ડ્રગ્સ સહિત 5.35 લાખ રૂપિયાથી વધુનો મુદામાલ કબ્જે સાથે સીરામીક ધંધાર્થીની ધરપકડ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે દિવાળીના તહેવાર નિમિતે પેટ્રોલિંગ દરમિયાન શહેરના હાર્દ સમાન અને હોસ્પિટલ ઝોન વિસ્તાર સાવસર પ્લોટમાં વેદાંત દાંતના દવાખાનાવાળી શેરીમાં જીજે -27-સી-1361 નંબરની કારમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બેઠો હોવાનું દેખાતા પોલીસે આ કારની જડતી લીધી હતી. એ દરમિયાન કારમાંથી અલગ -અલગ પ્લાસ્ટિકની ચાર કોથળીમાં સફેદ પાવડર જેવો પદાર્થ એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસની પ્રાથમિક  તપાસમાં આ શખ્સ યોગેશ રતિલાલભાઈ દસાડિયા ઉ.31 રહે. એપલ હાઈટ્સ, આસોપાલવ સોસાયટી, રવાપર ઘુનડા રોડ મૂળ રહે.જુના સાદુળકા મોરબીવાળો હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે તેને પોલીસ સ્ટેશને લઈ જઈ એફએસએલ દ્વારા ડ્રગ્સની તપાસ કરાવતા આ સફેદ પાવડર મેફેડ્રોન હોવાનો જ રિપોર્ટ આવ્યો હતો. આથી પોલીસે યોગેશ દસદિયા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. સીટી એ ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયેલા યોગેશ દસાડિયાની પૂછપરછ  કરતા એમડી ડ્રગ્સનો આ જથ્થો મુંબઈના દહીસરમાં રહેતા આરોપી ચિરાગ પટેલ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે રૂપિયા 2,87,800ની કિંમતનું 28.780 મિલીગ્રામ એમડી ડ્રગ્સ, આરોપીના કબ્જામાંથી મળેલી 41,800ની રોકડ રકમ, રૂ.500ની કિંમતનો ઇલેક્ટ્રિક વજન કાટો તેમજ રૂ.5000ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂપિયા બે લાખની કિંમતની વેન્ટો કાર કબ્જે કરી નશીલા કારોબારના આ ધંધામાં યોગેશ દસાડિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ જો ગંભીર પ્રકારના કેસમાં આરોપી યોગેશની કરી પૂછપરછ કરશે તો યોગેશ પાસેથી કોણ-કોણ ડ્રગ્સ લીધું તેની સઘળી હકીકતો બહાર આવશે તેમ.મનાય રહ્યું છે.

મોરબીમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે યુવાનની ધરપકડ