Monday - Sep 28, 2026

મોરબીમાં યુવાનનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યો, તેના ભાઈ ઉપર પણ છરીથી હુમલો

મોરબીમાં યુવાનનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યો, તેના ભાઈ ઉપર પણ છરીથી હુમલો

બાઈક આપવાની ના પાડતાં ત્રણ શખ્સોએ યુવાનને અલગ-અલગ સ્થળે લઈ જઈ માર મારી રૂ.8 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા અને મોબાઇલ લૂંટ્યો

મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં બાઈક આપવાની ના પાડવાના ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાનનું સ્કૂટરમાં અપહરણ કરી અલગ-અલગ સ્થળે લઈ જઈ ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, યુવાન પાસેથી રૂ.8 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા બાદ મોબાઇલ ફોન પણ લઈ લેવાયો હતો. દરમિયાન યુવાનના ભાઈને પણ પકડી રાખી છરીના ઘા મારવામાં આવતા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વજેપર શેરી નં.11માં રહેતા અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા સંજયભાઈ ગંગારામભાઈ બાંભણીયા (ઉં.વ.32)એ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ઇરફાન કરીમ, અબ્દુલ્લા ઉર્ફે અબુડી ઉર્ફે બાડો અને યુસુફ મોહમદભાઈ રતનિયા, ત્રણેય કાલિકા પ્લોટ, સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બે દિવસ અગાઉ ઇરફાને સંજયભાઈ પાસેથી બાઈક માંગ્યું હતું, પરંતુ બાઈક આપવાનો ઇનકાર કરતા આ બાબતનો ખાર રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ ત્રણેય શખ્સોએ સંજયભાઈને એક્સેસ સ્કૂટરમાં બેસાડી અપહરણ કર્યું હતું અને અલગ-અલગ સ્થળોએ લઈ જઈને ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ દરમિયાન અબ્દુલ્લા ઉર્ફે અબુડીએ સંજયભાઈ પાસેથી ઓનલાઇન રૂ.8 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા, જ્યારે યુસુફ રતનિયાએ તેમનો બ્લુ કલરનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન લઈ લીધો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

આ દરમિયાન સંજયભાઈના ભાઈ જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા ત્યાં આવતા અબ્દુલ્લાએ તેમને પકડી રાખ્યા હતા અને ઇરફાને છરી વડે તેમના ખભા, જમણા હાથ તથા કમરથી નીચેના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. બનાવ બાદ ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.