મોરબીના હાઇવેથી વાઘપર પીલુડી ગામને જોડતો હાઇવે નવો બનાવ્યાના 10 દિવસમાં જ એકદમ ધૂળધાણી થઈ ગયો છે. ખાસ કરીને આ માર્ગ બન્યાના દસ જ દિવસમા જ નાલામાં મસમોટું ગાબડું પડતા કોન્ટ્રાકટર અને તંત્રએ રોડ બનાવવામાં હલકી કક્ષાના સામગ્રીનો ઉપયોગ કરોને નબળું કામ કર્યું હોવાનું સામે આવ્યું છે અને આ રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વાઘપર -પીલુડી ગ્રામ પંચાયત દ્વારા ડીડીઓને લેખિત રજુઆત કરાઈ છે.
મોરબીના નેશનલ હાઇવેથી પીલુડી (વાઘપર)ને જોડતો અંદાજે ચાર કિમિનો મોટો માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષો પછી આ રોડ નવો બન્યો હોવાથી ગ્રામજનોને માર્ગ એકદમ મજબૂત અને ટકા ટક બનશે એવી આશા હતી. પણ આ હાઇવેથી શરૂઆ તમાં જ એક નાનું પુલીયું 10 દિવસ પહેલા જ બનાવવામાં આવ્યું હતું, આ બન્યાના 10 દિવસમાં તૂટી ગયું છે. તેથી ગ્રામજનોની સારા માર્ગની આશા ફળીભૂત ન થતા ઠગારી નીવડી છે. તેથી આ નાલા બનાવવામાં સાવ હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ થયો હોય એવું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ નવો બનતો રોડ કેટલા દિવસ ટકશે તે પણ એક સવાલ છે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયાએ રોડની મુલાકાત કરી અને યોગ્ય કામગીરી કરવાની તાકીદ કરી હતી. પણ શેઠની શિખામણ ઝાપા સુધી એમ નાલું બન્યાના થોડા દિવસમાં જ આ નાલું તૂટી જતા અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે અને કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતથી રોડનું કામ નબળું થતું હોવાનો વાઘપર પીલુડી ગ્રામ પંચાયતે આક્ષેપ કરી ડીડીઓને રજુઆત કરીને આ કામમાં ભ્રષ્ટાચાર કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.