Sunday - Jul 05, 2026

ખેડૂતોની માંગ મુજબ સરકારે વીજલાઈનના યોગ્ય વળતરનો GR , જાહેર કર્યો : હવે આંદોલન પર નજર

ખેડૂતોની માંગ મુજબ સરકારે વીજલાઈનના યોગ્ય વળતરનો GR , જાહેર કર્યો : હવે આંદોલન પર નજર

ટ્રાન્સમિશન ટાવરના સ્થાપનને કારણે ટાવરના ચાર પાયા વચ્ચેના ભાગની જમીનના નુકસાન પેટે માર્કેટ રેટ કમિટી (MRC) દ્વારા નિર્ધારિત બજાર કિંમતના 200% (બે ગણા) વળતર ચૂકવવાની લેખિતમાં 6જાહેરાત

મોરબી : મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે સરકારે શુક્રવારે વીજલાઈન વળતરમાં વધારો જાહેર કર્યો હતો. જો કે આ મામલે GR પ્રસિદ્ધ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો દ્વારા ઉઠી હતી. પરિણામે ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ટ્રાન્સમિશન લાઈન કે ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક અને ફળાઉ ઝાડને થતા નુકસાનના વળતર અંગે સરકારે સંકલિત અને અદ્યતન માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી છે.


નવા ઠરાવ મુજબ, ટ્રાન્સમિશન ટાવરના સ્થાપનને કારણે ટાવરના ચાર પાયા વચ્ચેના ભાગની જમીનના નુકસાન પેટે માર્કેટ રેટ કમિટી (MRC) દ્વારા નિર્ધારિત બજાર કિંમતના 200% (બે ગણા) વળતર ચૂકવવામાં આવશે. આ ગણતરીમાં ટાવરના ચાર પાયાના વાસ્તવિક વિસ્તાર ઉપરાંત દરેક બાજુ 1 મીટરનું વધારાનું વિસ્તરણ ધ્યાને લેવામાં આવશે.

રાઈટ ઓફ વે કોરિડોર માટે કેટેગરી મુજબ વળતર ચુકવાશે

જમીન ઉપરથી પસાર થતી વીજ લાઈન માટે જમીનની બજાર કિંમત મુજબ અલગ-અલગ વળતર નક્કી કરવામાં આવ્યું છે:
● ગ્રામ્ય વિસ્તારોમાં જમીનની કિંમતના 30% વળતર મળશે.
● નગરપાલિકાઓ, નગર પંચાયતો અને શહેરી આયોજન વિસ્તારોમાં જમીનની કિંમતના 45% વળતર અપાશે.
● મહાનગરપાલિકાઓ અને મેટ્રોપોલિટન વિસ્તારો માટે જમીનની કિંમતના 60% વળતર નક્કી કરવામાં આવ્યું છે.

બજાર ભાવ નક્કી કરવા અને વળતરના પ્રશ્નોના નિરાકરણ માટે દરેક જિલ્લામાં માર્કેટ રેટ કમિટી (MRC) બનશે. જેમાં જિલ્લા કલેક્ટર ચેરમેન રહેશે, જ્યારે જમીનમાલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર (TSP) ના પ્રતિનિધિ સભ્ય તરીકે રહેશે. આ કમિટી ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા (IBBI) માન્ય 3 મૂલ્યાંકનકારો દ્વારા જમીનનું મૂલ્યાંકન કરાવશે.

વળતરની રકમમાં પારદર્શિતા જાળવવા માટે ખેડૂતના બેંક ખાતામાં સીધી Digital Banking, RTGS કે NEFT દ્વારા રકમ જમા કરવામાં આવશે. આ ચુકવણી કામગીરી શરૂ કરતાં પહેલાં ખેડૂતની સંમતિથી અગાઉથી જ કરવાની રહેશે. પાક નુકસાન પેટે વળતર ચૂકવતી વખતે મૂલ્યાંકન માટે APMC એ નક્કી કરેલા દરો લાગુ પડશે. આ ઠરાવ રાજ્યમાં નંખાતી તમામ નવી અને હાલમાં પ્રગતિમાં હોય તેવી 66 KV અને તેથી વધુ વીજભાર ધરાવતી ટ્રાન્સમિશન લાઈનોના કામો માટે સમાન રીતે લાગુ પડશે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ આશિષ વાળાના હુકમથી આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.