ટંકારા : ટંકારા શહેરમાંઆ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. શહેરમાં હવે ખાખીનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ સુરક્ષિત ગણાતા વિસ્તારની બિલકુલ સામેથી જ એક મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સ્થાનિક પ્રજાની સુરક્ષા અને સલામતી સામે મોટા સવાલો ઊભા થયા છે.
ટંકારા શહેરના પોશ વિસ્તારમાં રહેતા અને મૂળ કલ્યાણપરના અગ્રણી પરિવારના મહિલા રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે જમીને ટંકારા-જામનગર રોડ પર લતીપર ચોકડી પાસે વોકિંગ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન બાઈક પર રેકી કરી રહેલી એક મહિલા અને પુરુષની બેલડી અચાનક આ મહિલાની નજીક ધસી આવી હતી. તકનો લાભ ઉઠાવી આ તત્વો મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી અંધારામાં રફુચક્કર થઈ ગયા હતા.
આ ઘટના બનતા જ ભયભીત બનેલી ભોગ બનનાર મહિલાએ જોરજોરથી બૂમાબૂમ અને દેકારો મચાવ્યો હતો. અવાજ સાંભળીને આસપાસથી લોકોના મોટા ટોળાઓ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે, આ લૂંટારૂ બેલડી ચેઈન સ્નેચિંગ કરીને બિલકુલ પોલીસ સ્ટેશનની સામેના રોડ પરથી જ મોરબી તરફ બેખોફ થઈને ભાગી છૂટી હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું .