મોરબી જીલલમાં જ નહીં પણ રાજ્યભરમાં આશરે દોઢ મહિના પહેલા વાંકાનેર પાસે ટોલપ્લાઝાની સમાંતર બોગસ રીતે વાહનો પાસેથી કરોડો ઓહિયા કરી જવાના નકલી ટોલનાકાનો પર્દાફાશ થયો હતો. જે તે સમયે ફરિયાદ નોંધાયા બાદ દોઢેક મહિના જેવા સમય સુધી વગદાર આરોપીઓ સુધી ન પહોંચનાર પોલીસનું જાણે અંધારામાં તીર સહી નિશાના પર લાગ્યું હોય એમ હવે ત્રણ વગદાર આરોપીઓને પોલીસને સફળતા હાથ લાગી છે.
વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પ્રકરણની તપાસમાં હવે કઈક ગતિ આવી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે દોઢેક મહિના જેવો સમય વીતવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી ન શકતા પોલીસ રાજકીય ઈશારે વગદાર આરોપીઓને છાવરી રહી હોય તેવા પણ આક્ષેપો થયા હતા. આરોપીઓને પકડવામાં પોલીસનો પન્નનો ટૂંકો પડયો હોય એવા ગંભીર આરોપો વચ્ચે પણ "બહાદુર' પોલીસ અંધારામાં તીર મારવા જેવી દિશામાં કામ કરતી જ ગઈ અને આખરે એ જ દિશામાંથી પોલીસને સફળતા મળી છે. જેમાં પોલીસ પકડથી દૂર ત્રણ આરોપીઓ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાને ગતરાત્રે વાંકાનેર પોલીસે વઘાસિયા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. જ્યારે હજુ એક મોટા આરોપી સીદસર ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર અમરસીભાઈ જેરામભાઈ વાસજાળીયા ક્યારે અને કેવી રીતે પકડાશે એ જોવું રહ્યું.