રાજાશાહી વખતથી એટલે આશરે 1900ની સદીની શરૂઆતથી મોરબી ઉધોગનગરી તરીકે જાણીતું હોય શરૂઆતમાં મહારાષ્ટીન પરશુરામ દાદાએ મોરબીના સાંઆકાંઠે સૌથી મોટી પરશુરામ પોટરી શરૂ કરી હજારો મજૂરો રહેવા માટે આવાસ કોલોની, 24 કલાક વિનામૂલ્યે લાઈટ, પાણી, શૌચાલયની સુવિધા છતાં પણ માણસ બે પાંદડે થતો જ ન હતો. પછી ક્લોક, નળીયા અને મિલો આવવા છતાં આર્થિક સ્થિતિ સુધરી ન હોય 1990 પછી સીરામીકનો ઉદય થતા જ તેજ રફતાર પકડતા જે તે સમયે સાયકલનો પણ વેત ન હોય એવા ઘણા સામાન્ય લોકોનું જીવન ધોરણ બદલાયને મધ્યમવર્ગીય થઈ ગયું છે. સીરામીકમાં શરુઆતથી સારી આમદાની મળતી હોવાથી હજારો લોકો સીરામીક સાથે જોડાતા ગયા ખાસ તો બિહાર, ઉત્તરપ્રદેશ, ઔરંગાબાદ, ઓરિસ્સા,મધ્યપ્રદેશમાં રોજી રોટી મળતી ન હોય બેકાર થવાથી હજારો પરપ્રાંતિઓ સીરામીકમાં આવ્યા અને એમાંના ઘણા ગેજ્યુએટ સહિત ઉચ્ચલેવલનું શિક્ષણ મેળવનાર સીરામીકમાં લેબ ટેકનોલોજી સહિતના ડિપાર્ટમેન્ટ સંભાળી આશરે 50 હજારથી એક લાખ પણ વધુ દર મહિને કમાણી કરીને ભવ્ય રહેઠાણ પણ બનાવ્યા છે. જ્યારે મોરબી શહેર 1ના અને મોરબી-2 એટલે સામાકાંઠાના હજારો સામન્ય લોકોને પણ સીરામીકના વિકાસના ફળ ચાખવા મળ્યા છે. આવા સામન્ય લોકોના વર્ષો પહેલા એટલે1990 પહેલા ગારા માટીના ચણતરવાળા નળીયાના કાચા મકાનો હતા. ટીવી, ફ્રિજ, બાઇકની તો કલ્પના કરવી તો મુશ્કેલ હતી. પણ સાયકલનો પણ ઘણાને વેંત ન હતો. પણ 2000 પછી સીરામીકમાં શ્રમિક, સુપરવાઈઝર, માર્કેટીંગ, બીલીગ, ડિસ્પેચ સહિતના ડિપાર્ટમેન્ટમાં કામે જોડાતા જીવન ધોરણ આખું બદલાય ગયું આજે તો સ્થિતિ એવી આવી છે કે સામન્ય શ્રમિક પણ બાઇક લઈને મજૂરી કરવા જાય છે. સીરામીક સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ ક્યારેય પગપાળા કે સાયકલ ચલાવીને જતા નથી. દરેક પાસે એક નહિ બે બાઇક તેમજ એલઇડી સ્માર્ટ ટીવી, ફ્રિજ, તેમજ ઘણા લોકોએ ગારા-માટીના ચણતરવાળા કાચા મકાનો તોડીને નળીયાને બદલે છતના એક કે બે માળના સુંદર મકાનો બનાવ્યા છે. જો કે અગાઉ લોકો મકાનો બનાવતા પણ ઘરની નીચે મોઝેક ટાઇલ્સ લગાવવાનો વેંત જ ન હોય નીચે પશુઓના છાણ લગાવીને ગાર કરી નાખતા અને શૌચાલય પણ ન હતા. પણ એક સમયે ઘરની નીચે મોઝેક લગાવવાનું સ્વપ્ન હતું તેના બદલે હવે મકાનોની નીચે એકદમ ઉંચી ક્વોલિટીની મનમોહન ટાઇલ્સ લગાવી છે અને ઘરેઘરે શૌચાલય છે આ ઉપરાંત ઘણા લોકો જે આર્થિક કારણોસર ભણી શક્યા ન હોય પણ પોતાના બાળકને સારું શિક્ષણ અપાવી રહ્યા છે.એટલું જ સંતાનોના પણ ખૂબ સારી રીતે લગ્નો કરાવે છે. સામાન્ય વર્ગ પાસે હવે આજના જમાના પ્રમાણે મોટાભાગની સુવિધા છે. પણ સાથોસાથ એવું પણ દુઃખ છે કે, અવારનવાર ફેકટરીઓમાં જોખમી કામ કરતી વખતે શ્રમિકોના મોત થતા હોય, શ્રમિકો માટે કોઈપણ જાતની સલામતી જ ન હોય તે રીતે કામ કરવું પડતું હોય તેથી વર્ષો અગાઉ એક ફેકટરીમાં કુંડી સાફ કરવા ઉતરેલા છ શ્રમિકોના ગેસ ગળતરથી મોત થયા પછી પણ સલામતીની કોઈ વ્યવસ્થા થઈ ન હોય તેમજ બધી ફેક્ટરીઓમાં કોન્ટ્રાક્ટ બેઇઝથી કામ કરતા હોય ઉપરથી વારંવાર કારખાના બદલતા હોવાથી શ્રમિક કાયદા અને કાયદેસરના હક હિસ્સા મળતા ન હોય તેમજ આઠ કલાકને બદલે 12 કલાક કામ કરવું પડતું હોય ઘણીવાર અગત્યના કામે રજા ન મળે સહિતની ઘણી બધી અપવાદરૂપ ઘટનાથી ઘણા લોકો નોકરી જવાની બીકે ખુલ્લામાં નહિ પણ છાનેખૂણે બળાપો ઠાલવતા હોય છે.
અમદાવાદ કરતા પણ પગારધોરણ ખૂબ જ ઉંચુ
મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશ કુંડારિયાએ કહ્યું હતું કે,92 93ની સાલમાં 8 કે 10 પ્લાન્ટ હોય અને આજે 800 જેટલા એકમો છે. આશરે 4 લાખ જેવા લોકો રોજીરોટી મેળવે છે. ખાસ કરી રાજકોટ અને અમદાવાદ જેવી મેગા સીટમાં પણ કોઈપણ જગ્યાએ 15 હજાર જેટલી સેલેરી હોય એની સામે અમારું પગાર ધોરણ ખૂબ ઉચુ છે. નાનામાં નાનો મજૂર કે ક્વોલિટી ચેક કરનાર સુપરવાઈઝર હોય તેનો પગાર પણ 20 થી 25 હજાર હોય છે. જેની જેવી કાબેલિયત એટલું એને વેતન ચૂકવીએ છીએ. લેબ. ટેક્નિશયન, ડિઝાઈનર, સ્ટાફ એટલે ડીઝીટલ મશીન, કોમ્યુટરમાં બીલીગ, ઓડર સહિતની કામગીરી કરનારના 50 હજારથી પણ વધુ પગાર હોય છે અને કોન્ટ્રાક્ટરને બે ત્રણ કારખાનામાં કોન્ટ્રાકટ હોય એટલે તેની કમાણી હોવાથી એની પાસે કાર સહિતની સુવિધા હોય છે.
સીરામીકના નાના યુવા કામદારોની પણ કોલેજીયન જેવી લાઈફ સ્ટાઇલ
સીરામીકમાં બીલીગનું વર્ક કરતા 25 વર્ષીય દિપક ચાવડા કહે છે કે, મારો પરિવાર શરૂઆતથી આર્થિક રીતે સાધારણ છે. આમ છતાં હું ડિપ્લોમો સુધી ભણ્યો છું. પણ ઘરની આર્થિક પરિસ્થિતિ નિભાવવા થોડા વર્ષો પહેલા સીરામીકમાં કામે લાગ્યો અને આજે 25 હજારનો પગાર છે. પિતા તેમજ હવે નાનો ભાઈ પણ નોકરી લાગતા હવે ખુદનું ઘર, બે બાઇક,, ફ્રિજ, ટીવી જેવી સુવિધાથી પહેલાં કરતા હવે જિંદગી બહેતર છે. જ્યારે અન્ય માટી ચેક કરતા શ્રમિક જયદીપ સંતોકીએ કહ્યું હતું કે મને 20 હજારનો પગાર મળે છે. હવે ઘરમાં સુવિધાઓની કોઈ કમી નથી. મારા જેવા અન્ય તમામ 21થી 35વર્ષના સોટીગ કે લોડીગ સહિતની મજૂરી કર્ટ્સ યુવા કામદારોનો 20 હજાર સુધી પગાર હોય એટલે આ યુવાનોની લાઈફ સ્ટાઇલ કોલેજીયન જેવી જ હોય છે. ભણવામાં નાપાસ થયા હોય કે પૈસાની તંગીને કારણે આગળ ભણી ન શક્યા હોય એવા ઘણા બધા યુવાનો ઘરેથી દરરોજ સવારે જાણે કોલેજ કરવા જતાં હોય એવી ટીપટોપ બેગ પણ એમાં પુસ્તકો નહિ ટિફિન હોય અને કોલેજીયનની રીતે એ બેગને ખભા પર ટાંગે તેમજ જીન્સ પેન્ટ સહિતના અફલટું કપડા, ગોગલ્સ પહેરીને બાઇકમાં કારખાને આવે છે. કારખાને આવ્યા પછી નવા કપડાં ઉતારી અહીં રાખેલા જુના કપડાં પહેરી આખો દિવસ કામ કરીને ઘરે જતા પહેલા પણ નવા કપડાં પહેરીને જ જાય છે