Tuesday - Apr 28, 2026

પુત્રનું જ ભલું ઇચ્છનાર પિતાને પોતાના વેણથી જીવન સુધારવાને બદલે પુત્ર અવિચારી પગલું ભરી લેતા પસ્તાવાનો પાર ન રહ્યો

પુત્રનું જ ભલું ઇચ્છનાર પિતાને પોતાના વેણથી જીવન સુધારવાને બદલે પુત્ર અવિચારી પગલું ભરી લેતા પસ્તાવાનો પાર ન રહ્યો

 માબાપ હમેશા સંતાનોનું હિત જ વિચારતા હોય છે અને સંતાનો હિત તેમજ ઉજ્જવળ ભવિષ્ય અને સલામતી માટે માબાપ પોતાની જિંદગી પણ દાવ પર લગાડી દેતા સહેજ પણ અચકાતા નથી. પણ માબાપ સંતાનો હિત માટે બે શબ્દો કહે અને એ સંતાનોની મતી મારો ગઈ હોય એમ એ શબ્દો કડવા ઝેર જેવા લાગે અને ક્ષણિક આવેશમાં ન કરવાનું કરી બેસે તો એ બાપને જિંદગીભર પસ્તાવાનો પાર રહેતો નથી. આવી જ એક કરુણ ઘટનામાં મોરબીમાં પિતાના ઠપકાથી પુત્રએ આપઘાત કરી લેતા પિતા પર દુઃખનું આભ તૂટી પડ્યું છે.

મોરબીના સામાકાંઠે આવેલ ઈન્દિરાનગર, ભકિતનગર સોસાયટીમાં રહેતા મૂળ માળીયા મિયાણાના ગુણવતભાઈ જીવરાજભાઈ પરમાર ઉ.22 નામનો યુવાન પોતાની ક્ષમતા મુજબ યોગ્ય રોજગારી મેળવવા માટે પ્રયાસો કરવાને બદલે બેકાર બનીને આખો દિવસ રખડપટ્ટી કરતો હતો. પુત્ર કઈ કામધંધો ન કરતો હોય તો તેનું ભવિષ્ય કેવું અંધકારમય બની જશે તેવી તેમના પિતાને ચિંતા થઈ હતી. આથી એક સારા પિતા જેમ પુત્રનું ભલું ઈચ્છે એમ તેઓએ પણ પુત્રનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે તેની લાયકાત મુજબ યોગ્ય કામધંધો કરવાનું કહ્યું હતું. પણ પિતાના પોતાના હિત માટેના શબ્દોથી જિંદગી સુધારવાને બદલે  શબ્દોએ તેની માનસિકતા પર એવી ઘેરી અસર ઉપજાવી હતી કે, પુત્ર ક્ષણિક આવેશમાં અવિચારી પગલું ભરી બેઠો હતો.જેમાં પિતાએ કામ ધંધો  કરવાનું કહેતા આ વેણ હાડોહાડ લાગી આવતા ગુણવતભાઈએ પોતાના ઘેર પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, પુત્રના આવા અંતિમ પગલાંથી પિતાની હાલત  કફોડી થઈ ગઈ છે.