Saturday - Aug 15, 2026

ખાખરેચીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

ખાખરેચીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

માળીયા તાલુકાના ખાખરેચી ગામે ચાર શાળાના સંયુક્ત ઉપક્રમે દેશભક્તિમય કાર્યક્રમ યોજાયો

ખાખરેચી: માળીયા તાલુકાના ખાખરેચી ગામે શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ, કન્યા પ્રાથમિક શાળા, કુમાર પ્રાથમિક શાળા અને મિશ્ર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
 

ખાખરેચીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
ખાખરેચીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
ખાખરેચીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સરપંચ વનિતાબેન દિનેશભાઈ પારજીયા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમના વરદ હસ્તે પરેડ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસરપંચ મેહુલભાઈ મેવાડા, તાલુકા પંચાયત સદસ્ય શોભાબેન વિરમભાઈ સંખેસરીયા, ગ્રામ પંચાયત સભ્યો મુનાભાઈ પરમાર, ભાવેશભાઈ લાંઘણોજા, રમેશભાઈ ઉચાસણા તથા તલાટી-કમ-મંત્રી અશોકભાઈ ફોક સહિતના મહાનુભાવો, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય મેહુલભાઈ ભોરણીયાએ મહેમાનોનું સ્વાગત કરી સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા. તેમણે ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ઝાંસીની રાણી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પી દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે નવી પેઢીને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. શાળાના વિકાસમાં સહયોગ બદલ ગ્રામ પંચાયત, દાતાશ્રીઓ અને સામાજિક આગેવાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

ઉજવણી દરમિયાન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ‘વિકસિત ભારત’ વિષય પર વક્તવ્ય, દેશભક્તિ ગીતો પર અભિનય અને પિરામિડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી તેમજ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ ૯થી ૧૨માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા રોકડ પુરસ્કાર, સરપંચશ્રી વનિતાબેન દિનેશભાઈ પારજીયા તરફથી શિલ્ડ, શાળા પરિવાર તરફથી સ્મૃતિભેટ તેમજ નિવૃત્ત શિક્ષક ભુદરભાઈ હુલાણી અને પિયુશભાઈ પારજીયા તરફથી રોકડ પુરસ્કાર આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલના શિક્ષક કિશનભાઈ પટેલે કર્યું હતું. અંતે મિશ્ર પ્રાથમિક શાળાના આચાર્ય મિલનભાઈ કાવરે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓની નિયમિતતા અને અભ્યાસમાં મહેનત માટે વાલીઓને સહકાર આપવા અપીલ કરી હતી. પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.