મોરબી નજીક સીરામીક ફેક્ટરીમાં ફરી આજે જોખમી મશીનરી ઉપર કામ કરતા શ્રમિકના ફેક્ટરી એક્સિડન્ટ એટલે અકસ્માતે મોતનો બનાવ સામે આવ્યો છે. જો કે સીરામીકની શરૂઆતથી જોખમી મશીનરીમાં કામ કરવાથી દર અઠવાડિયે એકાદ બે કે એનાથી વધુ શ્રમિકોના મોતના બનાવ બનવા છતાં માત્ર અકસ્માતે મોતનો કેસ નોંધીને ફાઈલો અભેરાઈ પર ચડાવી દેવાય છે.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ સોનેક્ષ વિટ્રીફાઇડ કારખાનાના સ્પ્રેડાયર વિભાગમા કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના વતની રાજુભાઇ મોહનભાઇ ડિન્ડોડ ઉ.25 નામના યુવાનનું કન્વયેર બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. જો કે સીરામીક ક્ષેત્રેમાં મજૂરોના અકસ્માતે મોત બનાવો ભલે છાસવારે એકલ દોકલ લાગે પણ પોલીસ અને તંત્ર સહિત સરકાર આવા કેસોમાં ઊંડા ઉતરી તપાસ કરે તો જે તે માલિકોની કેટલી હદે લાપરવાહી દાખવામાં આવતી હોય અને સામે શ્રમિકોનું કેટલી હદે શોષણ કરાતું હોય અને મજૂરો પાસેથી કામ લેવામાં કોઈપણ પ્રકારના સરકારી તંત્રના નીતિ નિયમોનું પાલન કરાતું ન હોય એનું પણ તથ્ય બહાર આવશે. પણ આ રીતે વિચારવું એ કાલ્પનિક રીતે જ સત્ય હોય શકે. વાસ્તવિક રીતે નહીં. કારણ કે, બધા જ તંત્ર અને સરકાર નિષ્ઠાપૂર્વક કામ કરે એવો વખત આવે એને રામ રાજ્ય કહેવાય !