મોરબીના ફિદાય પાર્કની મહિલાઓના ટોળાએ આજે પાણી પ્રશ્ને નગરપાલિકા કચેરીએ જઈને હલલબોલ કર્યું હતું. મહિલાઓએ ઉગ્ર રજુઆત કરી હતી કે, મચ્છુ ડેમમાં પાણી હોવા છતાં છતે પાણીએ વલખા મારવાની નોબત આવતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી અને પાણી આપો આપોનો કાળો કકળાટ કરી મુક્યો હતો.
મોરબીના આનંદનગર પાસે આવેલ ખોજા સોસાયટી ફિદાય પાર્કમાં રહેતી મહિલાઓના ટોળાએ નગરપાલિકામાં ઉગ્ર રજુઆત કરી હતી કે,તેમની સોસાયટીમાં બે માસથી સમ ખાવા પૂરતું પણ પાણી આવ્યું નથી.બે મહિના પહેલા પાણી આવ્યું એ આવ્યું ત્યારબાદ આજ સુધી પાણીના દર્શન થયા નથી.એક મહિલાએ રજુઆતમાં જણાવ્યું હતું કે, તેમના પતિ પેરેલીસીસનો એટેક આવ્યો હોવાથી એ પાણી ભરવા જઈ શકે એમ જ નથી. તેમજ તેમનો દીકરો જે 11માં ભણતો હોય પાણી ન આવતા તે સ્કૂલે જઈ શકતો નથી. અમુક જગ્યાએ પાણી આવે તો એ ગટરનું ગંધાતુ પાણી હોય છે. જેથી બાળકો બીમાર પડ્યા છે. બીજા મહિલાએ જણાવ્યું હતું કે, આ શ્રમિક વિસ્તાર હોય દવા પણ કરાવી શકતા નથી.જો કે મોંઘા ભાવના ટાંકા મળતા હોય પણ લોકો પહેલા પેટનું કરે કે પાણીનું કરે ? તેમજ અન્ય મહિલાએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં 150 લોકો રહેતા હોય અને માંડ પાંચ દિવસ સારું પાણી આવ્યા બાદ ફરી એ ને એ જ હૈયાહોળી સર્જાઈ છે.અમુક મહિલાઓએ બે બે કે ત્રણ મહિનાથી પાણી આવતું ન હોય અને ઉપરથી પાણીના ટાંકા મોંઘા હોય શ્રમિક લોકોને પરવડે તેમ ન હોય તેમજ અગાઉ અનેક રજુઆત કરવા છતાં પાણી પ્રશ્ન હલ ન થતા અને મચ્છુ ડેમ ભરેલો હોય છતાં પાણી ન આપતા મહિલાઓએ જ્યાં સુધી તેમની સોસાયટીમાં પાણી ન મળે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહેવાનો નીર્ધાર કર્યો છે.