મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમના દરવાજાના રિપેરીગ માટે આ ડેમ ખાલી કરાતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા એક બાદ એક એમ અનેક વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. ત્યારે વધુ એક સોસાયટીમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. જેમાં 20 દિવસથી પાણી આવતું ન હોવાથી મહિલાઓ વિફરી હતી અને રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું નગરપાલિકાએ દોડી જઈને પાણી આપોની નારેબાજી લગાવી પાણી આપોનો પોકાર કર્યો છે.
મોરબીની ઉમા રેસીડન્સી સોસાયટીમાં છેલ્લા 20 દિવસથી પાણી ન આવતા મહિલાઓનું ટોળું ઉગ્ર આક્રોશ સાથે નગરપાલિકા કચેરીએ દોડી જઇ પાણી ન આવતા કેટલી ઘરકામમાં રોજિંદી હાલાકી પડે છે તેની કડવી વાસ્તવિકતા રજૂ કરી હતી. જેમાં મહિલાઓએ જણાવ્યું હતું કે, તેઓને જે ટાંકામાંથી પાણી મળતું હોય ત્યાંથી પાણી આવતું ન હોય તેને પાણી આપવાની માંગ કરી છે. પાણી વિના ઘરનું એકેય કામ ન થઈ હોવાનું જણાવતા તંત્ર ચેક કરી ગયું હોય હવે પાણી ન આવે તો ફરી રજુઆત કરવા આવવાનું તંત્રએ જણાવ્યું હતું. જો કે મહિલાઓએ કહ્યું હતું કે, તંત્ર એ પાણી આવશે એવી ખાતરી આપી છે. પણ મહિલાઓએ તંત્રનું આ ખાતરીનું ગાજર ચવાઈ જશે તો ફરી આ રીતે પાલિકામાં આવીને લડત ચલાવાનો નિર્દેશ આપ્યો છે.
પાણીના ટાંકા મંગાવવા પડે છે
આ સોસાયટીની મહિલાઓ તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે,20 દિવસથી પાણી આવતું ન હોય રોજ પાણી આવશે એવી આશા સાથે આખી રાત જાગીએ છીએ પણ પાણી આવતું નથી. પાણી માટે રાત ઉજાગરા મોંઘા પડે છે. તેમજ પાણી ન આવતા વેચાતું પાણી લેવા મજબુર થવું પડે છે અને પાણીના ટાંકા મંગાવવા પડે છે અને રોજ રોજ કંઈ વેચાતું પાણી લેવું પરવડે એમ નથી.