Saturday - May 02, 2026

મોરબીના બાયપાસ પાસે પાણી અને ગટર પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં હલલબોલ

મોરબીના બાયપાસ પાસે પાણી અને ગટર પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં હલલબોલ

મોરબીના બાયપાસ ઉપર આવેલી સોસાયટીમાં પીવાના પાણી અને ભૂગર્ભ ગટર પ્રશ્ને મહિલાઓએ પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને નર્મદાનું પાણી મળતું ન હોય તેમજ ગટર ઉભરાતા ભોગવવી પડતી હાલાકીને મહિલાઓએ પાલિકા તંત્ર સમક્ષ હૈયાવરાળ ઠાલવી આ પ્રશ્ન હલ ન થાય તો મહિલાઓએ  ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

મોરબીના કંડલા બાયપાસ અવની પેલેસવળી શેરી શ્રીજી પાર્ક સોસાયટીની મહિલાઓએ નગરપાલિકા કચેરીએ દોડી જઇ ચીફ ઓફીસર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે તેમની સોસાયટીમાં ત્રણ વર્ષથી દર ચોમાસામાં ગટર ઉભરવાની સમસ્યા સર્જાઈ છે. ગટરના પાણીએ ભારે ગંદકી ફેલાવી છે. તેમાંય નર્મદાનું પીવાનું પાણી આવતું જ નથી. સમ ખાવા પૂરતું પણ એક ટીપુંય પાણી આવતું ન હોવાથી પાણીના ટાંકા માંગવવા પડે છે. પાંચ વર્ષથી આ સોસાયટીમાં રહેવા આવ્યા ત્યાંથી પાણી જ આવ્યું નથી અને ઉનાળામાં પાણી પ્રશ્ન વિકરાળ બને છે. તેથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે .દરરોજના ત્રણથી ચાર ટાંકા મંગા9વવા પડે છે. એક ટાંકાના 1000 રૂપિયા આપવા પડે છે શું નગરપાલિકા આ રૂપિયા ચૂકવશે ? તો બધાં વેરા શેના ભરીએ છીએ ? આ પાણી પ્રશ્ન હલ નહિ થાય તો નગરપાલિકામાં વેરા ભરવાનું જ બંધ કરી દેશું. મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે,ગંદકી સામે સરકાર સતર્ક રહેવાની વાત કરે છે. પણ પાણી ઉકાળીને પીવાથી બીમારીમાંથી દૂર ન રહી શકાય કારણ કે ગટરની સમસ્યા મો ફાડી ઉભી છે. તેમની સોસાયટી ગટરની ભયકર ગંદકી છે. ઘર દીઠ ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના વાહરા છે. બાળકોથી માંડીને મોટા લોકો પણ રોગચાળાનો ભોગ બન્યા છે. આ બાબતે ચાર વખત અરજી કરી હોવા છતાં પ્રશ્ન હલ ન થતા મહિલાઓને મેંટાડોર ભરીને પાલિકામાં આવવું પડ્યું છે. હજુ પણ પ્રશ્ન હલ નહિ થાય તો હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી આપી છે.