મોરબી : મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામ પાસે આવેલી લેમીના પેપરમીલના લેબર ક્વાર્ટરમાં સાફ-સફાઈ કરતી વખતે ઊંચાઈએથી નીચે પટકાવાના કારણે 28 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મહારાષ્ટ્રના વીરપુરની વતની અને હાલ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામ પાસે આવેલી લેમીના પેપરમીલના લેબર ક્વાર્ટરમાં રહેતાં સપનાબેન આકાશભાઈ પાવરા (ઉં.વ. 28) લેબર ક્વાર્ટરમાં સાફ-સફાઈ કરી રહ્યાં હતાં. તે દરમિયાન તેઓ ઊંચાઈએથી નીચે પટકાતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ મહિલાના પતિ મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.