અંડર-11માં 25 અને અંડર-14માં 79 ખેલાડીઓ વચ્ચે મુકાબલા યોજાયા, વિજેતાઓને રૂ. 1 હજારથી 5 હજાર સુધીના રોકડ પુરસ્કાર અપાશે
મોરબી : જિલ્લાના યુવા ખેલાડીઓમાં રહેલી રમતગમતની પ્રતિભાને બહાર લાવવા અને તેમને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધવાની તક પૂરી પાડવાના હેતુથી ખેલ મહાકુંભ-2026નો તા. 27 નવેમ્બરથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ખેલ મહાકુંભના પ્રથમ દિવસે મોરબીના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે બેડમિન્ટન રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિવિધ વયજૂથના કુલ 104 ખેલાડીઓએ ભાગ લઈ પોતાની રમતગમતની કુશળતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
પ્રથમ દિવસે યોજાયેલી બેડમિન્ટન સ્પર્ધામાં અંડર-11 અને અંડર-14 એમ બે વયજૂથમાં મુકાબલા યોજાયા હતા. જેમાં અંડર-11 વયજૂથમાં 25 ખેલાડીઓએ મેદાનમાં ઉતરી પોતાની રમતનું કૌશલ્ય દર્શાવ્યું હતું, જ્યારે અંડર-14 વયજૂથમાં 79 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આમ, બંને વયજૂથના ખેલાડીઓ વચ્ચે વિવિધ મુકાબલામાં જીત મેળવવા માટે રસાકસી જોવા મળી હતી. ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા સાબિત કરવા પ્રયાસ કર્યો હતો.
ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળે અને તેમની મહેનતને યોગ્ય સન્માન મળી રહે તે માટે સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. અંડર-11 વયજૂથમાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીને રૂ. 5,000, દ્વિતીય સ્થાન મેળવનારને રૂ. 3,000 અને તૃતીય સ્થાન મેળવનારને રૂ. 1,000નો પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે અંડર-14 વયજૂથમાં પ્રથમ સ્થાન મેળવનારને રૂ. 5,000, દ્વિતીય સ્થાન મેળવનારને રૂ. 3,000 અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીને રૂ. 2,000નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
જિલ્લા રમત-ગમત અધિકારીના જણાવ્યા મુજબ, ખેલ મહાકુંભના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેલી રમતગમતની પ્રતિભાઓને એક મંચ પૂરો પાડવાનો તેમજ યુવા ખેલાડીઓમાં રમત પ્રત્યે રસ અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવવાનો છે. આવા આયોજનના માધ્યમથી ખેલાડીઓને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળે છે અને રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે પ્રેરણા મળે છે. મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભના પ્રારંભ સાથે આગામી દિવસોમાં અન્ય રમતોની સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.