2021થી શરૂ થયેલું અભિયાન પાંચ વર્ષમાં બન્યું માનવતાનું મહાઅભિયાન, એક વ્યક્તિના અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળી શકે છે નવજીવન
રવિ બરાસરા : આવતીકાલે રાષ્ટ્રીય અંગદાન દિવસ નિમિત્તે અંગદાનના મહત્ત્વ અને માનવજીવનમાં તેની ઉપયોગિતા અંગે ફરી એકવાર જાગૃતિ લાવવાની જરૂરિયાત સામે આવી છે. જીવતાં જીવ સમાજ માટે જીવવું અને મૃત્યુ પછી પણ કોઈના જીવનનું કારણ બનવું એ માનવજીવનની સાચી સાર્થકતા છે. આ જ વિચારને સાર્થક કરવા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વર્ષ 2021થી શરૂ કરવામાં આવેલું અંગદાન જનજાગૃતિ અભિયાન આજે માનવતાના વિશાળ સેવાયજ્ઞમાં પરિવર્તિત થયું છે. ગ્રુપના માર્ગદર્શન હેઠળ ચાલતા આ અભિયાનમાં અત્યાર સુધીમાં 4,500થી વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરી ચૂક્યા છે.
સમાજમાં અંગદાન અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધા, ભય અને જાગૃતિના અભાવને દૂર કરવાના હેતુથી શરૂ થયેલી આ પહેલે પાંચ વર્ષમાં અનેક લોકોને અંગદાનના મહત્ત્વથી વાકેફ કર્યા છે. અંગદાનને માત્ર વ્યક્તિગત સંકલ્પ નહીં, પરંતુ સામાજિક જવાબદારી અને માનવતાની ભાવના સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હૃદય, ફેફસાં, યકૃત, કિડની, સ્વાદુપિંડ અને આંતરડાં જેવા અંગોના પ્રત્યારોપણથી ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહેલા દર્દીઓને નવજીવન મળી શકે છે. જ્યારે ચક્ષુદાન, ત્વચાદાન અને અન્ય પેશીઓના દાનથી પણ અનેક લોકોના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટી શકે છે.
યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડૉ. દેવેનભાઈ રબારીના મતે અંગદાન માત્ર દાન નથી, પરંતુ કોઈ પરિવારને ફરીથી જીવવાની આશા આપતું પુણ્યકાર્ય છે. માણસ પોતાના જીવન દરમિયાન ધનદાન, અન્નદાન, વિદ્યાદાન અને રક્તદાન જેવા અનેક સેવાકાર્યો કરે છે, પરંતુ અંગદાન એવું માધ્યમ છે જેમાં વ્યક્તિ આ દુનિયામાં ન હોવા છતાં બીજા કોઈના જીવનમાં ધબકતી રહી શકે છે. મૃત્યુ બાદ ઉપયોગમાં ન આવનારા અંગો જો કોઈની જિંદગી બચાવી શકે, કોઈની આંખોમાં અજવાળું પાથરી શકે અને કોઈ પરિવારના ચહેરા પર ફરી સ્મિત લાવી શકે તો તેનાથી મોટી માનવસેવા બીજી કઈ હોઈ શકે?
યંગ ઇન્ડિયા ગ્રુપના આ અભિયાનમાં જોડાયેલા 4,500થી વધુ લોકો માત્ર આંકડો નથી, પરંતુ અજાણ્યા વ્યક્તિના જીવનને બચાવવાની નિઃસ્વાર્થ ભાવનાથી લેવાયેલા 4,500થી વધુ સંકલ્પો છે. આગામી સમયમાં પણ યુવાનો, સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંગઠનોને આ અભિયાન સાથે જોડીને અંગદાન તથા દેહદાન અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો ગ્રુપનો પ્રયાસ છે.
અંગદાન એટલે મૃત્યુ પછી પણ કોઈના જીવનમાં ધબકતા રહેવું
વ્યક્તિનું જીવન પૂરું થયા બાદ પણ તેના અંગો અન્ય વ્યક્તિને નવજીવન આપી શકે છે. યોગ્ય તબીબી પરિસ્થિતિમાં એક મૃત અંગદાતા આઠ વ્યક્તિઓ સુધીનો જીવ બચાવવામાં મદદરૂપ બની શકે છે. અંગદાનથી કોઈ દર્દીને નવું હૃદય મળી શકે છે, કોઈને કિડનીની ગંભીર સમસ્યામાંથી રાહત મળી શકે છે તો ચક્ષુદાનથી કોઈ વ્યક્તિ ફરી દુનિયાને નિહાળી શકે છે. અંગદાન એ માત્ર દાન નહીં, પરંતુ કોઈ અજાણ્યા પરિવારને સુખની નવી તક આપવાનો માનવતાભર્યો સંકલ્પ છે.
સંકલ્પ સાથે પરિવારની સંમતિ અને જાણકારી પણ એટલી જ જરૂરી
અંગદાનનો સંકલ્પ કર્યા બાદ પોતાની ઇચ્છા પરિવારજનોને જણાવવી અત્યંત જરૂરી છે. કારણ કે યોગ્ય સમયે અંગદાનની પ્રક્રિયા માટે પરિવારની જાણકારી અને સહયોગ મહત્ત્વપૂર્ણ બને છે. અંગદાન માટે સંકલ્પપત્ર ભરવા ઉપરાંત તેના નિયમો, તબીબી માપદંડો અને કાયદાકીય પ્રક્રિયા અંગે પણ સમજ કેળવવી જોઈએ. અંગદાન અંગેની ગેરમાન્યતાઓ છોડીને વૈજ્ઞાનિક સમજ સાથે આગળ આવીએ તો અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનની નવી આશા બની શકાય છે.