મોરબી : મોરબીના કંડલા બાયપાસ રોડ, ગાંધી ચોક અને જેતપર ગામે પોલીસે જુગારની ત્રણ અલગ-અલગ રેડ કરી કુલ સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં જાહેરમાં રોકડ રકમથી જુગાર રમવા ઉપરાંત મોબાઇલમાં લૂડો ગેમ અને ચલણી નોટોના નંબરના આધારે પણ જુગાર રમાતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય બનાવોમાં કુલ રૂ. 13,700નો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસ મથકોમાં ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલા મારુતિનંદન એપાર્ટમેન્ટવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. દરમિયાન ધર્મેન્દ્રભાઈ દાનાભાઈ જારીયા, કરીમભાઈ હુસેનભાઈ ચાનિયા અને રમેશભાઈ ઉર્ફે મિથુન લીલાધરભાઈ કાનાબાર જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયની પાસેથી રૂ. 7,500ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજી રેડ મોરબીના ગાંધી ચોક પાસે કરવામાં આવી હતી. જ્યાં મોબાઇલ એપ્લિકેશનમાં લૂડો ગેમના પાસા ફેંકીને જુગાર રમતા મકબુલ નિઝામભાઈ ચાનિયા અને મુસ્તાક અબ્દુલભાઈ સુમરા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 700ની રોકડ અને રૂ. 5,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 5,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બંને બનાવોમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુના નોંધાયા છે.
આ ઉપરાંત મોરબી તાલુકાના જેતપર ગામે નદીના પુલ પાસે મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં ચલણી નોટોના નંબરના આધારે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં રાઘુભાઈ ઈશ્વરભાઈ ધામેચા અને સંજયભાઈ લક્ષ્મણભાઈ દેગામા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 500ની રોકડ કબજે કરી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.