શિયાળુ વાવેતર માટે છોડાયેલું પાણી રસ્તા પર ફરી વળ્યું; સફાઈના નામે થયેલી કામગીરી સામે ઉઠ્યા સવાલો, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
મોરબી : મોરબી શહેરના રવાપર કેનાલ ચોકડી નજીક મચ્છુ-2 કેનાલમાંથી પાણી બહાર વહી મુખ્ય માર્ગ પર ફેલાઈ જતાં વાહનવ્યવહાર અને રાહદારીઓની અવરજવરને અસર પહોંચી હતી. શિયાળુ પાકના પિયત માટે કેનાલમાં પાણી છોડવામાં આવતાં જ સર્જાયેલી આ સ્થિતિએ તંત્રની પૂર્વતૈયારી અને સફાઈની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. શિયાળાની ઋતુમાં રસ્તા પર પાણી ફરી વળતાં ચોમાસા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી.
મળતી વિગતો મુજબ, કેનાલમાં પાણીનો પ્રવાહ શરૂ થાય તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, પાણી છોડ્યા બાદ રવાપર કેનાલ ચોકડી પાસે કેનાલ છલકાઈ હતી અને વધારાનું પાણી સીધું મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું. પરિણામે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ખેડૂતોના પાકના પિયત માટે છોડવામાં આવેલું કિંમતી પાણી ખેતરો સુધી પહોંચવાને બદલે માર્ગ પર વહી જતાં પાણીના બગાડનો મુદ્દો પણ સામે આવ્યો છે. કેનાલની સફાઈ યોગ્ય રીતે થઈ હતી કે કેમ તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. આ પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલ અને કેનાલની સફાઈ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.