Friday - Nov 27, 2026

મોરબીના અમરેલીની સીમમાં ખેતરની પાણીની મોટરનો 200 ફૂટ કેબલ ચોરાયો

મોરબીના અમરેલીની સીમમાં ખેતરની પાણીની મોટરનો 200 ફૂટ કેબલ ચોરાયો

મોરબી : મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં ખેતીના પાકને પિયત આપવા માટે રાખેલી પાણીની મોટરનો આશરે 200 ફૂટ લાંબો કેબલ વાયર ચોરી થયાની ઘટના સામે આવી છે. આ બનાવમાં રૂ. 15,000ની કિંમતનો કોપરયુક્ત કેબલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના રેલવે સ્ટેશન પાછળ રોહીદાસપરા મેઈન રોડ પર વિજયનગર-1માં રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણા (ઉ.વ. 34) અમરેલી ગામની સીમમાં સર્વે નંબર 66માં સહકારી મંડળી પાસેથી મળેલી જમીન પર ખેતી કરે છે. તેમણે ચોમાસુ પાકમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. પાકના પિયત માટે ખેતરથી થોડે દૂર ધુતારી નાલાના કાંઠે આવેલી પડતર જગ્યામાં ઓપનવેલ મોટર મૂકી હતી, જેને સ્વીચ બોર્ડ સાથે આશરે 200 ફૂટ લાંબા કેબલથી જોડવામાં આવી હતી.

દરમિયાન વરસાદ ખેંચાતાં ગત તા. 29 સપ્ટેમ્બરના રોજ પાકને પાણી આપવા ખેતરે પહોંચ્યા ત્યારે મોટરથી સ્વીચ બોર્ડ સુધીનો થ્રી-ફેઝનો હેવી બ્લુ કલરનો કોપરયુક્ત કેબલ વાયર ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. તપાસ કરતાં આશરે રૂ. 15,000ની કિંમતનો વાયર કોઈ અજાણ્યો શખ્સ કાપીને ચોરી ગયો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ધર્મેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.