મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મિત્રની ફાયનાન્સ ઓફિસે બેઠેલા 24 વર્ષીય યુવાન સાથે ગાળાગાળી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લાફો મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબીના વિપુલનગરમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતા મોહિતભાઈ મુકેશભાઈ પરમાર (ઉ.વ. 24)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત બપોરે આશરે 12:15 વાગ્યે તેઓ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે આવેલા શિવાલિક પ્લાઝાના ચોથા માળે હોથલ ફાયનાન્સની ઓફિસે બેઠા હતા. તે દરમિયાન ત્રાજપર ગામના પ્રકાશભાઈ ગોલતર ત્યાં આવ્યા હતા અને 'તું બીજાને હું ડરું છું એવી વાતો કરે છે' તેમ કહી ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ ફરિયાદીને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લાફો માર્યો હતો. આ બનાવ અંગે મોહિતભાઈની ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસે પ્રકાશભાઈ ગોલતર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.