Friday - Nov 27, 2026

માળિયા હાઇવે પર બાઇકથી કરતબ બતાવતો વીડિયો વાયરલ થતાં LCBની કાર્યવાહી, યુવાને જાહેરમાં માફી માગી

માળિયા હાઇવે પર બાઇકથી કરતબ બતાવતો વીડિયો વાયરલ થતાં LCBની કાર્યવાહી, યુવાને જાહેરમાં માફી માગી

મોરબી : માળિયા- મિયાણા હાઇવે પર બાઇક ચલાવતી વખતે જોખમી કરતબ કરી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર યુવાન સામે મોરબી એલસીબી પોલીસે કાર્યવાહી કરી છે. વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રિયાઝ ફતેમામદ ભટ્ટીને ઝડપી લીધો હતો. ત્યારબાદ પોતાની ભૂલ સ્વીકારતો અને ફરી આવું નહીં કરવાની ખાતરી આપતો તેનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસના ધ્યાન પર આવેલી વિગતો મુજબ, રિયાઝ ભટ્ટી ગત તા. 18ના રોજ માળિયા ખાતે ઉર્ષમાં ગયો હતો. તે દરમિયાન અન્ય લોકો બાઇક પર સ્ટંટ કરતા હોવાથી પોતે પણ આવી હરકતો કરી હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. હાઇવે પર જાહેર અવરજવર વચ્ચે કરવામાં આવેલા જોખમી કરતબનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં એલસીબીની ટીમે તપાસ હાથ ધરી તેને અટકાયતમાં લીધો હતો. પોલીસ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં રિયાઝ બંને હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારતો જોવા મળે છે. સાથે જ ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ નહીં કરવાની ખાતરી આપી જાહેરમાં માફી માગી હતી.