11 કુંડી યજ્ઞ સાથે સેવાકીય પ્રવૃત્તિઓની ઝલક રજૂ કરાઈ; અમદાવાદમાં 140 દીકરીઓ માટે આધુનિક હોસ્ટેલ બાદ 700 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા છાત્રાલયનું નિર્માણ કાર્ય પ્રગતિમાં
મોરબી : વિરપર નજીક મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ઉમા સંસ્કારધામનો દ્વિતીય પાટોત્સવ ભવ્ય આયોજન સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનો, સત્સંગ અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સરકારી નોકરીઓમાં પસંદગી પામેલા, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવનારા તથા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિ હાંસલ કરનારા 260 જેટલા પ્રતિભાશાળીઓનું સન્માન કરાયું હતું. સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને આર્થિક સહયોગ આપતા 250 જેટલા દાતાઓને પણ મહાનુભાવોના હસ્તે બિરદાવવામાં આવ્યા હતા.
પાટોત્સવ નિમિત્તે 11 કુંડી યજ્ઞ સહિત જપ-તપ અને યજ્ઞવિધિ યોજાઈ હતી. નવેમ્બર 2025થી નવેમ્બર 2026 દરમિયાન તલાટીથી લઈને વર્ગ-1ના અધિકારી સુધીની સરકારી સેવાઓમાં નિયુક્તિ મેળવનારા યુવાનો, ગ્રેજ્યુએશનથી લઈને અનુસ્નાતક અને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનારા તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર યુવક-યુવતીઓને મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બપોરના સત્રમાં ભચાઉ-કચ્છ આશ્રમના સંન્યાસી આત્માનંદજી દ્વારા સત્સંગ યોજાયો હતો. આ પ્રસંગે વિરપર-લીલાપર રોડને જિલ્લા પંચાયત દ્વારા ઓ.આર. પટેલ માર્ગ નામ આપવામાં આવ્યું હોવાથી અજંતા-ઓરેવા ગ્રુપના સૌજન્યથી તૈયાર કરાયેલા સર્કલ ખાતે ઓ.આર. પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સાંજે યોજાયેલા સ્નેહમિલનમાં ઉમા સંસ્કારધામ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને સમાજલક્ષી યોજનાઓની વિગતો રજૂ કરવામાં આવી હતી. સંસ્થાના ઉમા આદર્શ લગ્ન પ્રકલ્પને પ્રથમ જ વર્ષમાં આશરે 550 લગ્નો સાથે નોંધપાત્ર સફળતા મળી છે. આ પહેલથી પ્રેરાઈને અન્ય જિલ્લાઓમાં પણ સમાન પદ્ધતિથી સમૂહલગ્નનું આયોજન થવા લાગ્યું છે. ઉમા હોલમાં વર્ષ દરમિયાન યોજાતા લગ્નપ્રસંગો અને રાંદલ ઉત્સવ સહિતના કાર્યક્રમોથી થતી આવક પણ આ લગ્નપ્રકલ્પ પાછળ વપરાય છે.
આ ઉપરાંત 36 જેટલા એસી રૂમ ધરાવતું ગેસ્ટ હાઉસ, રાહતદરે દવાઓ ઉપલબ્ધ કરાવતો ઉમા મેડિકલ સ્ટોર, ઓછી કિંમતે તપાસની સુવિધા આપતી ઉમા લેબોરેટરી અને રાહતદરે સારવાર આપતું ઉમા ક્લિનિક કાર્યરત છે. ઉમા રંગભવન દ્વારા પણ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન આશરે 2,000 દર્દીઓની સેવા અને સુશ્રુષા કરવામાં આવી હતી.
શિક્ષણ અને દીકરીઓના સુરક્ષિત નિવાસને પ્રાધાન્ય આપતાં અમદાવાદના પ્રાઇમ લોકેશનમાં 140 દીકરીઓ રહી શકે તેવી આધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે 700 જેટલા દીકરા-દીકરીઓની નિવાસ વ્યવસ્થા ધરાવતા નવા છાત્રાલયનું બાંધકામ પણ હાથ ધરાયું છે. પાટીદાર કેરિયર એકેડમી અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે. જ્યારે ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, બ્યુટી પાર્લર અને બેઝિક કમ્પ્યુટર તાલીમ દ્વારા ભાઈ-બહેનોને કૌશલ્યવર્ધન માટેની તક પૂરી પાડવામાં આવે છે.
સંસ્થાના શૈક્ષણિક કાર્યની વાત કરીએ તો ધોરણ 9થી લઈને સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધી સર્વ સમાજની આશરે 7,000 દીકરીઓ અભ્યાસ કરી રહી છે. પાટીદાર જનસેવા કેન્દ્ર મારફતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને અરજી અને ફોર્મ ભરવામાં પણ મદદ કરવામાં આવે છે. આ તમામ પ્રવૃત્તિઓની સાથે સેવાકીય કાર્યો, સામાજિક ઉત્થાનના લેખો, પ્રેરક પ્રસંગો, પ્રતિભાઓની ઓળખ તથા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓની માહિતી સમાવતો 'ઉમા સંસ્કાર દર્શન' ત્રિમાસિક અંક પણ પ્રકાશિત કરવામાં આવે છે.
કાર્યક્રમની શરૂઆતમાં દિનેશભાઈ વડસોલાએ સંસ્થાની અત્યાર સુધીની પ્રગતિ, સેવાકીય પ્રકલ્પો પાછળનો હેતુ, સમાજની જરૂરિયાત અને વિવિધ યોજનાઓના પરિણામો અંગે આંકડાકીય વિગતો સાથે માહિતી આપી હતી. મોટિવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયાએ પોતાની આગવી વક્તવ્યશૈલીમાં સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી. ખાસ કરીને અમદાવાદ ખાતે દીકરા-દીકરીઓ માટે સુરક્ષિત અને આધુનિક હોસ્ટેલની વધતી જરૂરિયાત અંગે પ્રકાશ પાડ્યો હતો.
આ સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ પરષોત્તમભાઈ રૂપાલા અને મોહનભાઈ કુંડારિયા, જેરામભાઈ વાંસજાળિયા, જયસુખભાઈ પટેલ, પ્રકાશભાઈ વરમોરા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને જયંતિભાઈ કવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ કન્યા કેળવણી મંડળના પ્રયાસોને બિરદાવી સમાજના ઉત્થાનમાં આવી સંસ્થાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ ગણાવી હતી.
ઉમિયા ધામ સિદસર તેમજ અમદાવાદથી અખિલ ભારતીય પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી. મોરબી જિલ્લાના કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, વિવિધ પાટીદાર સંસ્થાઓના હોદ્દેદારો, સિરામિક ઉદ્યોગના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે જયસુખભાઈ પટેલના સૌજન્યથી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંડળના ટ્રસ્ટીઓ અને સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.