Friday - Nov 27, 2026

મોરબીના ટીંબડીના પાટિયા પાસે ટ્રક પાછળ કાર અથડાતા યુવાનનું મોત

મોરબીના ટીંબડીના પાટિયા પાસે ટ્રક પાછળ કાર અથડાતા યુવાનનું મોત

રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા : બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે સ્વિફ્ટ કાર અજાણ્યા ટ્રકની પાછળ અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલક યુવાનને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે મૃતક કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીની નાની બજારમાં વિશ્વકર્મા મંદિર પાસે વાઘેશ્વરી કૃપા ખાતે રહેતા યોગરાજસિંહ ખોડુભા વાઘેલા (ઉં.વ. 40) બુધવારે સાંજે પોતાની સ્વિફ્ટ કાર લઈને માળિયાથી મોરબી પોતાના ઘરે આવી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે 7 વાગ્યાના અરસામાં ટીંબડી ગામના પાટિયા પાસે કોઈ કારણોસર કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર અજાણ્યા ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્મતમાં યોગરાજસિંહને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે પ્રથમ મોરબીની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ દીપકસિંહ ખોડુભા વાઘેલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્વિફ્ટ કાર (રજિ. નં. GJ 36 BB 2925)ના ચાલક અને ફરિયાદીના ભાઈ યોગરાજસિંહ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના આ બનાવથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.