Saturday - Nov 28, 2026

મોરબી મનપાના સુપર સક્શન મશીનનો ટૂંકો વળાંક ભારે પડ્યો : દુકાનના પહેલા માળની પેરાપેટ તૂટી પડી

મોરબી મનપાના સુપર સક્શન મશીનનો ટૂંકો વળાંક ભારે પડ્યો : દુકાનના પહેલા માળની પેરાપેટ તૂટી પડી

ચાલકની બેદરકારીથી જાહેરાતના બોર્ડ સાથે મશીન અથડાતાં અકસ્માત સર્જાયો, સદનસીબે જાનહાનિ ટળી

મોરબી : મોરબી શહેરના ભરચક રામચોક વિસ્તારમાં મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર વિભાગ હેઠળ કાર્યરત સુપર સક્શન મશીનના ચાલકની બેદરકારી સામે આવી છે. ભારે વાહનના ચાલકે વળાંક લેતી વખતે ટૂંકો ટર્ન લેતાં મશીન જાહેરાતના બોર્ડ સાથે અથડાયું હતું. જેના કારણે નજીકની દુકાનના પહેલા માળની પેરાપેટ તૂટીને નીચે પડી હતી. સદનસીબે ઘટના સમયે નીચે કોઈ રાહદારી કે વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર વિભાગ હેઠળ કોન્ટ્રાક્ટ પર કામગીરી કરતી 'એકોર્ડ' એજન્સીનું સુપર સક્શન મશીન રાત્રિના સમયે રામચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન વળાંક પાસે ચાલકે વાહનને પૂરતી જગ્યા આપીને લાંબો વળાંક લેવાને બદલે ટૂંકો વળાંક લીધો હતો. જેથી મશીનનો ઉપરનો ભાગ ત્યાં લગાવેલા જાહેરાતના મોટા બોર્ડ સાથે અથડાયો હતો. આ ટક્કરના કારણે નજીકની દુકાનના પહેલા માળની પેરાપેટ તૂટી જતાં નીચે પટકાઈ હતી.

અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વેપારીઓમાં દોડધામ મચી હતી. રામચોક જેવા અવરજવરથી ધમધમતા વિસ્તારમાં પેરાપેટ નીચે પડી ત્યારે કોઈ વ્યક્તિ કે વાહન તેની અડફેટે ન આવતાં જાનહાનિ ટળી હતી. જોકે, મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ દોડતાં ભારે વાહનોના ચાલકો દ્વારા જાહેર માર્ગો પર પૂરતી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. ચાલકોની આવી બેદરકારીથી ભવિષ્યમાં કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરી સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો.