નાનીવાવડી-પંચાસર નજીક વોકળામાં પાણીનો પ્રવાહ અટકાવ્યાનો આક્ષેપ : કલેક્ટરને રજૂઆત કરી ગેરકાયદે પાળો તોડી ખેડૂતોને ન્યાય આપવા માંગ
મોરબી : મોરબીના નાનીવાવડી-પંચાસર ગામ નજીક વોકળા પર બનાવવામાં આવેલા ચેકડેમમાં કેટલાક શખ્સોએ ગેરકાયદે પાળો બનાવી પાણીનો પ્રવાહ અટકાવી દીધો હોવાનો આક્ષેપ સાથે કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. સૌની યોજના મારફતે વોકળામાં છોડવામાં આવતું પાણી આગળના ગામો સુધી પહોંચી શકતું નથી અને ચાર ગામના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહેવાની સ્થિતિ સર્જાઈ છે. આ મામલે ખેડૂત હિત સમિતિ, નાનીવાવડી દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ગેરકાયદે પાળો તોડી પાણીનો પ્રવાહ પૂર્વવત્ કરવા માંગ કરવામાં આવી છે.
મોરબીના નાનીવાવડી-પંચાસર ગામ પાસે આવેલા વોકળા પર ચેકડેમ બનાવવામાં આવ્યો છે. સૌની યોજના મારફતે આ વોકળામાં પાણી છોડવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોએ ચેકડેમ પર ગેરકાયદે રીતે પાળો બનાવી પાણી રોકી લીધું હોવાનો આક્ષેપ છે. પરિણામે આગળના ગામોમાં પાણીનો પ્રવાહ અટકી ગયો છે. આ પરિસ્થિતિને કારણે નાનીવાવડી, બગથળા, બિલિયા અને મોટપર ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. હાલ રવિપાકની ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે પાણીનો પુરવઠો અટકી જવાથી ખેડૂતોને પાકના વાવેતર અને સિંચાઈમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂત હિત સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરાવી ગેરકાયદે રીતે બનાવવામાં આવેલા પાળાને દૂર કરવા તેમજ વોકળામાં પાણીનો પ્રવાહ પુનઃ શરૂ કરાવવા માંગ કરવામાં આવી છે, જેથી ચારેય ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકે અને તેમને અન્યાય ન થાય.