તબીબો, નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે તાલીમ, પ્રશ્નોત્તરી અને પોસ્ટર સ્પર્ધા યોજાઈ
મોરબી : એન્ટિબાયોટિક દવાઓના અયોગ્ય ઉપયોગ અને તેના કારણે વધતી રોગપ્રતિકારક ક્ષમતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી મોરબીની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ-2026ની ઉજવણી કરવામાં આવી હતી. તા. 18થી 24 નવેમ્બર દરમિયાન 'એક આરોગ્ય, એક પ્રયાસ : એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અટકાવવા આજે જ પગલાં ભરો' થીમ હેઠળ શૈક્ષણિક, તબીબી અને જનજાગૃતિને લગતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત આ સપ્તાહની શરૂઆતમાં હોસ્પિટલ ખાતે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ માટે સેલ્ફી પોઇન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 'એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ માટે વાદળી રંગ' અભિયાન અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યા હતા. ડૉ. દિનેશ ચાવડા દ્વારા માર્ગદર્શન કાર્યશાળા યોજવામાં આવી હતી. માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા તબીબો અને નર્સિંગ સ્ટાફ માટે ચેપ નિયંત્રણ અને એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અંગે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
સપ્તાહ દરમિયાન ઔષધ વિજ્ઞાન વિભાગ દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓ માટે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અને ચેપ નિયંત્રણ વિષય પર પ્રશ્નોત્તરી તથા પોસ્ટર બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. સાથે જ હોસ્પિટલના બાહ્ય દર્દી વિભાગ અને આંતરિક દર્દી વિભાગમાં દર્દીઓને આપવામાં આવતી દવાઓના પ્રિસ્ક્રિપ્શનનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને અનામત શ્રેણીની એન્ટિબાયોટિક દવાઓના ઉપયોગની સમીક્ષા કરવામાં આવી હતી, જેથી દવાઓનો યોગ્ય અને જરૂરિયાત મુજબ ઉપયોગ થાય તે અંગે ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા સઘન સારવાર વિભાગ અને વિવિધ વોર્ડમાં હાથની સ્વચ્છતા તથા તબીબી કચરાના યોગ્ય નિકાલ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ તા. 25 નવેમ્બરના રોજ યોજાયેલી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એટલે કે સૂક્ષ્મજીવોમાં દવાઓ સામે પ્રતિકારક શક્તિ વિકસવાની સ્થિતિમાં બેક્ટેરિયા સહિતના સૂક્ષ્મજીવો સામે દવાઓની અસરકારકતા ઘટી જાય છે. જેના કારણે સામાન્ય ચેપની સારવાર પણ મુશ્કેલ બની શકે છે. એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી ઉપયોગ ટાળવો, તબીબી સલાહ મુજબ જ દવાઓ લેવી અને ચેપ અટકાવવા સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.