બોર્ડર રેન્જની ટીમે કવાડિયા ચેકપોસ્ટ પાસે હાઈવે પરથી આઇસરમાંથી 9456 બોટલ વિદેશી દારૂ સાથે એકને દબોચી લીધો
હળવદ : હળવદ તાલુકાની કવાડિયા ચેકપોસ્ટ પાસેથી પસાર થતા એક આઈસર ટ્રકમાંથી બોર્ડર રેન્જની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે 9456 બોટલ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોર્ડર રેન્જ ટીમના સબ-ઇન્સ્પેક્ટર એમ.એચ. જાડેજા અને ડી.સી. ઠાકોરને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે કવાડિયા ચેકપોસ્ટ પાસે હાઈવે પરથી આઈશર ટ્રક નંબર HR 38 AE 0201ને અટકાવી તલાશી લેવામાં આવી હતી. આ ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી સાઈઝની કુલ 9456 બોટલ મળી આવી હતી. જેની કિંમત 32,84,268 રૂપિયા થાય છે. ટ્રક અને દારૂ સહિત કુલ 52,84,260 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ટ્રક ડ્રાઈવર અરબાજ રહીશ મેવ (ઉંમર 22, રહે. રવા, તા. ફિરોજપુર ઝિરકા, જિ. નૂંહ, હરિયાણા) ને પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે ટ્રક આપનાર આશિફ અને દારૂનો જથ્થો મોકલનાર શર્માજીને પકડવાના બાકી છે. પકડાયેલા આરોપી અને વોન્ટેડ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.