Tuesday - Sep 29, 2026

મોરબીમાં ટ્રાન્સમિશન લાઈન મુદ્દે ખેડૂતોની સંમતિ વિના MRC કાર્યવાહી સામે વિરોધ, 2222 કાર કાફલા સાથે આંદોલનની ચીમકી

મોરબીમાં ટ્રાન્સમિશન લાઈન મુદ્દે ખેડૂતોની સંમતિ વિના MRC કાર્યવાહી સામે વિરોધ, 2222 કાર કાફલા સાથે આંદોલનની ચીમકી

21 સપ્ટેમ્બરની નોટિસ રદ કરવા સહિત 5 માંગ સાથે કલેક્ટરને રજૂઆત; સરકારી ઠરાવના મુદ્દા-7 મુજબ સંમતિ બાદ જ કામ શરૂ કરવાની જોગવાઈનો અમલ કરવાની ખેડૂત નેતાની માંગ

મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈન અને ટાવર ઉભા કરવા માટે ખેડૂતોની સંમતિ વિના MRC (મૂલ્યાંકન/વળતર સંબંધિત પ્રક્રિયા) મારફતે એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિશાન કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂત નેતા મહેશ રાજકોટીયાના જણાવ્યા મુજબ, તા. 21 સપ્ટેમ્બરે ખેડૂતોને નોટિસ આપી તા. 24 સપ્ટેમ્બરે MRCમાં હાજર રહેવા જણાવાયું હતું. આ કાર્યવાહી ખેડૂતોના બંધારણીય અને કાયદાકીય અધિકારો વિરુદ્ધ હોવાનો દાવો કરી જિલ્લા કલેક્ટરને ઈ-મેલ મારફતે કાયદાકીય મુદ્દાઓ સાથે રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટીયાના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારના ઉર્જા વિભાગના તા. 4 જુલાઈ 2026ના ઠરાવના મુદ્દા નંબર-7માં વળતર એકસાથે ચૂકવ્યા બાદ અને ખેડૂતની સંમતિ મેળવ્યા પછી જ કામ શરૂ કરવાની જોગવાઈ છે. ત્યારે ખેડૂતોની સ્વૈચ્છિક સંમતિ વિના MRCમાં હાજર રહેવા દબાણ કરવું વિરોધાભાસી હોવાનું તેમણે જણાવ્યું છે.

વેલ્યુઅર અંગે પણ સવાલો ઉઠાવાયા
કિસાન સંઘર્ષ સમિતિએ ખેતીની જમીનના મૂલ્યાંકન માટે કાયદેસર લાયકાત ધરાવતા વેલ્યુઅરની યાદી આપવાની માંગ કરી છે. રજૂઆતમાં તા. 14 જુલાઈ 2026ના Ketan Natvarlal Brahmbhatt Vs UOI કેસનો ઉલ્લેખ કરી એવો દાવો કરાયો છે કે રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ ખેતીની જમીનની કિંમત નક્કી કરવા માટે એગ્રીકલ્ચર સાયન્સની ડિગ્રી અને પાંચ વર્ષનો અનુભવ ધરાવતા વ્યક્તિની લાયકાત અંગે રજૂઆત કરી હતી. બીજી તરફ MRC માટે IBBIમાં નોંધાયેલા અચલ મિલકતના વેલ્યુઅરોની યાદી કેમ આપવામાં આવી તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

સમિતિએ વેલ્થ ટેક્સ એક્ટ, 1957ની કલમ 8A(2) અને 8A(3)નો ઉલ્લેખ કરી ખેતીની જમીનના મૂલ્યાંકન માટે કયા પ્રકારના વેલ્યુઅર કાયદેસર છે તે અંગે સરકાર પાસેથી સ્પષ્ટતા માગી છે. સાથે જ TSP કંપનીના હિતમાં ખેડૂતોની જમીન સંબંધિત પ્રક્રિયામાં ઉતાવળ કરવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

કિસાન સંઘર્ષ સમિતિની 5 મુખ્ય માંગ

1. ખેતીની જમીનનું મૂલ્યાંકન કરવા કાયદેસર લાયકાત ધરાવતા વેલ્યુઅરોની યાદી જાહેર કરવી.


2. 1957ના કાયદાની જોગવાઈ મુજબના વેલ્યુઅરોની યાદી આપવી.


3. કાયદેસર વેલ્યુઅરની યાદી આપ્યા વગરની તા. 21 સપ્ટેમ્બરની નોટિસ રદ કરવી.


4. સરકારના ઠરાવના મુદ્દા-7 મુજબ ખેડૂતોની લેખિત સંમતિ વિના કોઈ બેઠક કે મૂલ્યાંકન ન કરવું.


5. ભવિષ્યમાં ખેડૂતોને દબાણમાં મૂકતી નોટિસો આપવાની કાર્યવાહી બંધ કરવી.

 

સમિતિએ સરકાર અને પ્રશાસન પાસેથી રજૂ કરાયેલા સાત કાયદાકીય સવાલોના લેખિત જવાબ સાથે તાત્કાલિક નિર્ણયની માંગ કરી છે. જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ગુજરાતભરના ખેડૂતોને સાથે રાખીને કિશાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 2222 કારના કાફલા સાથે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ સ્થિતિમાં ઊભી થનારી જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે તેમ મહેશ રાજકોટીયાએ જણાવ્યું છે.