વોર્ડ નં.12માં આવતા ન્યુ આલાપ પાર્ક, ખોડીયાર પાર્ક અને પટેલનગરમાં છેલ્લા ચાર વર્ષથી રોડની હાલત ખખડધજ હોવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા રહીશોની ધીરજ ખૂટી
મોરબી : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં.12માં આવતા ન્યુ આલાપ પાર્ક, ખોડીયાર પાર્ક અને પટેલનગરમાં છેલ્લા ચાર વર્ષથી રોડ રસ્તાનો પ્રશ્ન યથાવત છે. અગાઉ ગટરનું કામ કરવા માટે રસ્તા ખોદી નાખ્યા બાદ યોગ્ય રીતે રોડ બનાવવામાં ન આવતા હાલ ઠેરઠેર ખાડા, કાંકરા અને ધૂળની સમસ્યા છે. વારંવાર રજૂઆતો છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવતા રહેવાસીઓએ હવે તંત્ર સામે રોષ વ્યક્ત કરી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
ત્રણેય વિસ્તારોમાં રોડ બનાવવાની માંગને લઈને નગરપાલિકા હતી ત્યારથી સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. નગરપાલિકા ઉપરાંત ધારાસભ્ય અને સરકાર સમક્ષ પણ રજૂઆતો કરાઈ હતી. મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પણ મહાપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી રસ્તાનો કાયમી પ્રશ્ન ઉકેલાયો નથી.
ગટરનું કામ કરતી વખતે અગાઉના રસ્તા ખોદી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ રોડનું યોગ્ય કામ ન થતાં રસ્તાઓ વધુ બિસ્માર બન્યા છે. ચોમાસામાં ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાય છે. પાણી ભરાયેલા ખાડાઓને કારણે મહિલાઓ, બાળકો અને યુવાનો વાહન લઈને પસાર થતા લપસી પડવાના બનાવો બન્યા હતા અને નાની-મોટી ઇજાઓ પણ થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
ચોમાસા દરમિયાન રજૂઆત બાદ મહાપાલિકા દ્વારા રસ્તા પર મેટલ અને પ્રીમિક્સના ઢગલા કરવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય રીતે કામ પૂર્ણ ન થતાં હાલ રસ્તા પર કાંકરા પથરાયેલા છે અને વાહનો પસાર થતાં ધૂળની ડમરીઓ ઊડે છે. પરિણામે રસ્તાની હાલાકી સાથે ધૂળની સમસ્યાનો પણ સ્થાનિકોને સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓ સાધનાબેન પટેલ, ચંદ્રિકાબેન પટેલ, અજયભાઈ ઝાલરીયા અને ફુલગરભાઈ ગોસાઈના જણાવ્યા મુજબ, ચાર વર્ષથી રોડની સમસ્યા હોવા છતાં અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. અગાઉ ચૂંટણી સમયે રોડ રસ્તા સહિતના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી સ્થિતિમાં ફેરફાર થયો નથી. જેથી હવે તંત્રનું ધ્યાન દોરવા માટે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે.
વોર્ડ નં.12ના કોર્પોરેટર મેઘાબેન દીપકભાઈ પોપટે જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા દરેક વોર્ડમાં કોર્પોરેટર દીઠ રૂ.50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વોર્ડ નં.12 માટે કુલ રૂ.2 કરોડની ગ્રાન્ટમાંથી ન્યુ આલાપ પાર્ક, ખોડીયાર પાર્ક અને પટેલનગરના રોડ રસ્તાના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં રોડનું કામ કરવામાં આવશે.
હવે ચાર વર્ષથી રોડની રાહ જોઈ રહેલા રહેવાસીઓને ગ્રાન્ટની વાત નહીં પરંતુ વાસ્તવિક કામ શરૂ થવાની રાહ છે. રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કારની ચીમકી સુધી પહોંચેલા આ પ્રશ્નનો મહાપાલિકા ક્યારે કાયમી ઉકેલ લાવે છે તે જોવું રહ્યું.