Tuesday - Sep 29, 2026

મોરબીમાં માનસિક બીમારી કંટાળી યુવાનનો ગળેફાંસો,પીપળી નજીક યુવતીનું અકળ કારણોસર મોત

મોરબીમાં માનસિક બીમારી કંટાળી યુવાનનો ગળેફાંસો,પીપળી નજીક યુવતીનું અકળ કારણોસર મોત

મોરબી : મોરબીના વાવડી રોડ પર શ્રદ્ધા પાર્ક-2માં રહેતા 25 વર્ષીય યુવાનને છેલ્લા છ મહિનાથી માનસિક બીમારીની સારવાર ચાલી રહી હતી. સારવાર છતાં તબિયતમાં સુધારો ન થતાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે મોરબી નજીક પીપળી ગામ પાસે કારખાનાની લેબર કોલોનીમાં રહેતી 19 વર્ષીય યુવતીનું અકળ કારણોસર મોત નીપજતાં બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાવડી રોડ પર ગાયત્રીનગર સીતારામ એપાર્ટમેન્ટ પાછળ શ્રદ્ધા પાર્ક-2માં ભાડાના મકાનમાં રહેતા વિષ્ણુભાઈ વાસુદેવભાઈ પરમાર (ઉં.વ.25)ને છેલ્લા છેક મહિનાથી માનસિક બીમારી હોવાથી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અને દવા ચાલુ હતી. જોકે, સારવાર છતાં તેમને સારું ન થતાં માનસિક બીમારીથી કંટાળીને તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ બાદ મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પિતા વાસુદેવભાઈ લખમણભાઈ પરમાર (ઉં.વ.65)એ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબી તાલુકાના પીપળી ગામ નજીક ડેકોરગોલ્ડ આર્ટની લેબર કોલોનીમાં રહેતા ચેનસિંગ મેઘવાલની 19 વર્ષીય દીકરી સુનીતાબેનનું કોલોનીના કવાર્ટરમાં અકળ કારણોસર મોત નીપજ્યું હતું. યુવતીના મોત બાદ તેના સંબંધી નનકાભાઈ મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ આવ્યા હતા. હોસ્પિટલ મારફતે બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતાં પોલીસે નોંધ કરી યુવતીના મોતનું કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.