મોરબીના બેલા નજીક મજૂરો માટે દેશી દારૂ લેવા ઉભેલા યુવકને માર મારી લૂંટી લેવાયો
મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં ત્રણેક દિવસ પૂર્વે સાંજના સમયે મજૂરો માટે દેશી દારૂ લેવા ઉભા રહેલા નેકનામ ગામના યુવાનને અહીં કેમ ઉભો છો કહી એક્ટિવા અને રીક્ષામાં આવેલ ચાર અજાણ્યા ઈસમોએ અપહરણ કરી લઈ જઈ બેરહેમીથી માર મારી 35 હજારની રોકડ તેમજ બે હજારનો મોબાઈલ મળી 37 હજારની લૂંટ કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા પ્રકાશ ગોવિંદભાઇ શેરસિયા ઉ.35 નામન યુવકે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.8ના રોજ મોરબીના બેલા નજીક તેમના મજૂર માટે દેશી દારૂ લેવા ઉભો હતો ત્યારે એક્ટિવા અને રીક્ષામાં ચાર અજાણ્યા માણસો આવ્યા હતા. બાદમાં અહીં કેમ ઉભો છો કહી રીક્ષામાં અપહરણ કરી દૂર લઈ ગયા હતા અને બેફામ માર મારી 35 હજાર રોકડા તેમજ બે હજારનો મોબાઇલ લૂંટી લઈ અજાણ્યા સ્થળે મુકી દેતા કોઈ નરેશભાઇ નામની વ્યક્તિએ ફરિયાદીને મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એક્ટિવા અને રીક્ષામાં આવેલ ચાર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.