ચેકિંગથી બચવા ટ્રક ભગાવ્યો, આરટીઓ ટીમે પીછો કરી ભરતનગર પાસે અટકાવતાં અધિકારી સાથે ઝપાઝપી કરી ગાર્ડના માથામાં ગંભીર ઇજા કરી અંધારાનો લાભ લઇ ડ્રાઇવર ફરાર
મોરબી : મોરબી-માળિયા નેશનલ હાઇવે પર ટિંબડી ગામના પાટિયા પાસે આરટીઓની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે ટ્રક કન્ટેનરને રોકવાનો ઇશારો કરવા છતાં ડ્રાઇવર ટ્રક ભગાવી મુક્યો હતો. આથી આરટીઓની ટીમે સરકારી વાહનથી પીછો કરી ભરતનગર ગામે પટેલ સમાજ વાડી પાસે ટ્રકને રોક્યો હતો. જ્યાં ટ્રકચાલકને પૂછપરછ માટે નીચે ઉતારતાં તેણે આરટીઓ અધિકારી સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં રોડ ક્રોસ કરીને જતા ડ્રાઇવરને રોકવા ગયેલા બે ગાર્ડ પૈકી એક ગાર્ડના માથામાં લોખંડના પાઇપથી હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી ડ્રાઇવર અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. બનાવમાં ઇજાગ્રસ્ત ગાર્ડને માથામાં ટાંકા આવ્યા હતા. પોલીસે ટ્રક ડિટેઇન કરી ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
મૂળ પાટણ જિલ્લાના અને હાલ મોરબીના રવાપર રોડ પર હરિહરનગર ખાતે રહેતા આરટીઓના અધિકારી અપૂર્વભાઇ સુરેશભાઇ પ્રજાપતિ (ઉં.વ.35)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક નં. GJ-39-T-6618ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અપૂર્વભાઇ પ્રજાપતિ, જીએસએફના ગાર્ડ કનુભાઇ ગંગાદાસભાઇ રતન અને રૈયાભાઇ હિન્દુભાઇ સુસરા સહિતની આરટીઓની ટીમ સરકારી વાહન નં. GJ-18-GB-8132 લઇ આરટીઓની કામગીરી માટે પેટ્રોલિંગમાં કરી રહી હતી. ત્યારે રાત્રિના આશરે નવ વાગ્યાના અરસામાં મોરબી-માળિયા નેશનલ હાઇવે પર ટિંબડી ગામના પાટિયા પાસે વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રક કન્ટેનર પસાર થતાં તેને રોડની સાઇડમાં ઊભો રાખવા માટે ઇશારો કર્યો હતો. પરંતુ ટ્રકચાલકે ચેકિંગ માટે વાહન ઊભું રાખવાને બદલે ટ્રક આગળ હંકારી મૂકી હતી.
જેથી આરટીઓની ટીમે સરકારી વાહનથી ટ્રકનો પીછો કર્યો હતો અને આ ટીમે ભરતનગર ગામે પટેલ સમાજ વાડી નજીક સરકારી વાહનથી ટ્રકને ઓવરટેક કરી રોડની સાઇડમાં ઊભો રખવ્યો હતો અને ફરજના ભાગરૂપે આરટીઓ અધિકારી અપૂર્વભાઇએ ટ્રકચાલકને પૂછપરછ માટે નીચે ઉતરવા જણાવ્યું હતું. આ સમયે ટ્રકચાલકે તેમની સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાન ગાર્ડ કનુભાઇ અને રૈયાભાઇ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ટ્રકચાલક કેબિનમાંથી નીચે ઉતરી રોડ ક્રોસ કરીને જવા લાગતાં બંને ગાર્ડે તેને રોકી નામ પૂછવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન ટ્રકચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને તેના હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે રૈયાભાઇ સુસરાના માથાના ડાબા લમણા પાસે પ્રહાર કર્યો હતો. પાઇપના પ્રહારથી રૈયાભાઇને ગંભીર ઇજા થતાં માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ હુમલો કરીને ટ્રકચાલક અંધારાનો લાભ લઇ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
બનાવ બાદ આરટીઓની ટીમે ટ્રક નં. GJ-39-T-6618ને ડિટેઇન કરી બીજા ડ્રાઇવર મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો. બીજી તરફ ઇજાગ્રસ્ત રૈયાભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા. આ બનાવ અંગે આરટીઓ અધિકારી અપૂર્વભાઇ પ્રજાપતિની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રકચાલક સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર ટ્રકચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.