Friday - Sep 25, 2026

મોરબીના આમરણ પાસે બાઈકનું ટાયર ફાટતાં જીંઝુડા દર્શને જતા જામનગરના 19 વર્ષીય યુવાનનું મોત

મોરબીના આમરણ પાસે બાઈકનું ટાયર ફાટતાં જીંઝુડા દર્શને જતા જામનગરના 19 વર્ષીય યુવાનનું મોત

મેલડી માતાજીના મંદિર નજીક બાઈક સ્લીપ થતાં ગંભીર ઇજાઓને કારણે યુવાને જીવ ગુમાવ્યો

મોરબી : મોરબીના જીંઝુડા ગામે દર્શન કરવા માટે જામનગરથી બાઈક પર નીકળેલા 19 વર્ષીય યુવાનનું આમરણ ગામ નજીક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. મેલડી માતાજીના મંદિર પાસે બાઈકનું ટાયર ફાટતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગર જિલ્લાના બેડી વિસ્તારમાં મહેબૂબ ચોક ખાતે રહેતા હનીફભાઈ સમીરભાઈ ભટ્ટી (ઉં.19) બાઈક લઈને જામનગરથી મોરબીના જીંઝુડા ગામે દર્શન કરવા માટે આવી રહ્યા હતા. દરમિયાન આમરણ ગામ નજીક આવેલા મેલડી માતાજીના મંદિર પાસે તેમના બાઈકનું ટાયર ફાટી જતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તેઓ રસ્તા પર પટકાયા હતા.

આ અકસ્માતમાં હનીફભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલ મારફતે બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ વિજયભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, યુવાન જીંઝુડા ગામે દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે આમરણ નજીક મેલડી માતાજીના મંદિર પાસે બાઈકનું ટાયર ફાટતાં બાઈક સ્લીપ થઈ જવાથી અકસ્માત સર્જાયો હતો.