મોરબી : હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં આવેલા બ્રાહ્મણી ડેમમાં માછીમારી કરવા ગયેલા યુવકનું માછીમારીની જાળમાં ફસાઈ જતાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ગોલાસણ ગામમાં રહેતા અજિતભાઈ નરસીભાઈ સુરેલા ગઈકાલે બપોરના સમયે બ્રાહ્મણી ડેમના કાંઠે માછીમારી કરવા ગયા હતા. દરમિયાન તેઓ માછીમારીની જાળ બદલતા હતા ત્યારે અચાનક તેમનો પગ જાળમાં ફસાઈ ગયો હતો. જાળમાં ફસાઈ જતાં તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે.