ટંકારાના હીરાપર ગામે જર્જરિત ટાંકી તોડવાની કામગીરીમાં અણધારી દુર્ઘટના : ટેકનિકલ દેખરેખના અભાવે નુકસાન થયાનો સ્થાનિકોનો આક્ષેપ, સદનસીબે જાનહાનિ ટળી
મોરબી : ટંકારાના હીરાપર ગામમાં જર્જરિત પાણીની ટાંકી દૂર કરવાની કામગીરી દરમિયાન ટાંકી નિયત દિશામાં પડવાને બદલે રહેણાંક મકાન અને દુકાન તરફ ધસી પડતાં અફરાતફરી મચી ગઈ હતી. ટાંકીના કાટમાળ નીચે મકાન અને દુકાન દબાઈ જતા અંદર રહેલો ઘરવખરી સહિતનો સામાન નાશ પામ્યો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે કામગીરી દરમિયાન આસપાસના લોકોને દૂર રાખવામાં આવ્યા હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી.
હીરાપર ગામના પાટિયા નજીક લાંબા સમયથી જર્જરિત હાલતમાં ઊભેલી પાણીની ટાંકી ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાંકીનો એક ભાગ તોડવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક આખી રચના ધારેલી દિશામાં ન પડતાં સામેની તરફ વળી ગઈ હતી. ગણતરીની ક્ષણોમાં ટાંકી મકાન અને તેને અડી આવેલી દુકાન પર કડડભૂસ થઈને તૂટી પડતાં બંને મિલકતોને ભારે નુકસાન થયું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ટાંકી અત્યંત જર્જરિત હોવાથી તેને તોડતી વખતે ખાસ તકેદારી રાખવાની જરૂર હતી. જોકે કામગીરી દરમિયાન સ્થળ પર જવાબદાર એન્જિનિયર અથવા ટેકનિકલ સ્ટાફ હાજર ન હોવાના કારણે યોગ્ય માર્ગદર્શન વિના કામગીરી ચાલી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટાંકી કઈ દિશામાં ધરાશાયી થશે તે અંગે સ્થાનિકોએ મજૂરોને અગાઉથી ચેતવણી આપી હોવા છતાં કામગીરીની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો ન હોવાનો પણ આક્ષેપ છે.
ગામના આગેવાન રાજુભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે, ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કર્યા બાદ પાણી પુરવઠા વિભાગની મંજૂરીથી જર્જરિત ટાંકી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટાંકીના પાયાના ભાગે ગિસી મારવાની કામગીરી દરમિયાન નજીકના રહેવાસીઓએ ત્રણ વખત ચેતવણી આપી હતી કે આ તરફથી કામગીરી કરવાથી ટાંકી મકાન તરફ પડી શકે છે. તેમ છતાં ચેતવણીને અવગણીને કામગીરી આગળ વધારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ટાંકી ધરાશાયી થતાં હીરાપરના રહેવાસી રજનિકભાઈ સવજીભાઈ સવસાણીના મકાન તેમજ બાજુમાં આવેલી દુકાનને મોટું નુકસાન થયું છે. મકાનની ઘરવખરી અને દુકાનમાં રહેલો સામાન પણ કાટમાળમાં દબાઈ જતાં પરિવારને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
લોકોને દૂર કરાયા હોવાથી મોટી દુર્ઘટના ટળી
ટાંકી તોડવાની કામગીરી શરૂ કરતાં પહેલાં આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો અને લોકોને દૂર રાખવામાં આવ્યા હતા. જેના કારણે ટાંકી મકાન અને દુકાન પર પડવા છતાં કોઈ વ્યક્તિ તેની ઝપેટમાં આવી નહોતી. આ કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
દેખરેખ વગરની કામગીરી સામે સવાલો
જર્જરિત અને જોખમી પાણીની ટાંકી તોડવાની કામગીરીમાં ટેકનિકલ નિષ્ણાતની હાજરી તથા યોગ્ય સલામતી વ્યવસ્થા અંગે હવે સવાલો ઊઠ્યા છે. સ્થાનિકોએ જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કરી નુકસાનનું યોગ્ય વળતર મળે અને સમગ્ર ઘટનામાં બેદરકારી રહી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.