Thursday - Aug 13, 2026

મોરબી જિલ્લામાં શ્રાવણના પ્રારંભે જ શિવાલયોમાં શિવ દર્શને ભીડ ઉમટી

મોરબી જિલ્લામાં શ્રાવણના પ્રારંભે જ શિવાલયોમાં શિવ દર્શને ભીડ ઉમટી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, વહેલી સવારથી જ દુગ્ધાભિષેક, રુદ્રાભિષેક અને વિશેષ પૂજા-અર્ચનાથી ભાવિકો બન્યા શિવભક્તિમાં તલ્લીન

મોરબી : દેવાધિદેવ મહાદેવની ભક્તિ માટે પવિત્ર ગણાતા શ્રાવણ માસનો આજથી ગુરુવારે પ્રારંભ થતાં જ મોરબી શહેર-જિલ્લો શિવમય બન્યો છે. શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ મહાદેવના દર્શન કરી દુગ્ધાભિષેક, જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ સહિતની પૂજા કરી હતી. શિવાલયોમાં ગુંજતા ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

મોરબી જિલ્લામાં શ્રાવણના પ્રારંભે જ શિવાલયોમાં શિવ દર્શને ભીડ ઉમટી

શ્રાવણ માસને લઈને મોરબી શહેર-જિલ્લાના નાના-મોટા શિવમંદિરોમાં અગાઉથી જ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. અનેક શિવાલયોને ફૂલો, લાઈટિંગ અને વિવિધ પ્રકારના શણગારથી સજાવવામાં આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન સવાર-સાંજ મહાઆરતી, વિશેષ પૂજા-અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
 

મોરબી જિલ્લામાં શ્રાવણના પ્રારંભે જ શિવાલયોમાં શિવ દર્શને ભીડ ઉમટી

મોરબીના સામાકાંઠે આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર રોડનું શોભેશ્વર મહાદેવ મંદિર, પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડનું જડેશ્વર મહાદેવ મંદિર, ગ્રીન ચોક પાસેનું કુબેરનાથ મહાદેવ મંદિર, મણિમંદિર સામે શંકર આશ્રમ નજીકનું નીલકંઠ મહાદેવ મંદિર, શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલું સત્યેશ્વર મહાદેવ મંદિર, લજાઈ નજીકનું ભીમનાથ મહાદેવ મંદિર, ભડિયાદ પાસેનું જંગલેશ્વર મહાદેવ મંદિર અને બાપા સીતારામ ચોક નજીકનું નરસિંહ ટેકરી મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં શ્રાવણના પ્રારંભથી જ વિશેષ પૂજા-અર્ચનાનો દોર શરૂ થયો છે. જિલ્લાના વાંકાનેર સહિતના વિસ્તારોમાં પણ શ્રાવણ માસને લઈને શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવાલયોમાં ભક્તોએ દર્શન કરી મહાદેવને બિલ્વપત્ર, ફૂલ અને પ્રસાદ અર્પણ કર્યો હતો.
 

મોરબી જિલ્લામાં શ્રાવણના પ્રારંભે જ શિવાલયોમાં શિવ દર્શને ભીડ ઉમટી

દુગ્ધાભિષેકથી લઘુરુદ્ર સુધી ધાર્મિક આયોજન

શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા પોતાની શ્રદ્ધા મુજબ દુગ્ધાભિષેક, રુદ્રાભિષેક, લઘુરુદ્ર સહિતના ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવશે. મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવા માટે પણ ભક્તોએ તૈયારીઓ કરી છે. અનેક મંદિરોમાં શ્રાવણના સોમવાર તેમજ અન્ય વિશેષ દિવસોએ ધાર્મિક કાર્યક્રમો અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

પૂજા સામગ્રી અને ફૂલ બજારમાં પણ રોનક

શ્રાવણ માસના આગમન સાથે જ મોરબીના બજારોમાં પણ ધાર્મિક ચીજવસ્તુઓની ખરીદીમાં વધારો જોવા મળ્યો છે. ફૂલ, બિલ્વપત્ર, પૂજા સામગ્રી તથા અન્ય ધાર્મિક સામગ્રીની માંગ વધતાં બજારમાં રોનક જોવા મળી રહી છે. શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તો શિવાલય તરફ નીકળતા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ધાર્મિક માહોલ છવાયો હતો. શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ મોરબી શહેર-જિલ્લાના શિવાલયો ભક્તોની આસ્થાના કેન્દ્ર બન્યા છે અને આગામી એક મહિના દરમિયાન વિવિધ શિવાલયોમાં ભક્તિ, પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોની શ્રૃંખલા જોવા મળશે.