Thursday - Apr 23, 2026

ચોરીના બનાવોથી ગામલોકો તો જાગ્યા પણ પોલીસની ઊંઘ ક્યારે ઉડશે ?

ચોરીના બનાવોથી ગામલોકો તો જાગ્યા પણ પોલીસની ઊંઘ ક્યારે ઉડશે ?

 મોરબી પંથકમાં છેલ્લા એકાદ મહિનાથી ચોરી, લૂંટફાટ, ઉઠાંતરી સહિતની ઘટનાઓ સતત વધી રહી હોય અને તાજેતરમાં માળીયાના સરવડ ગામે ચાર બુકાનીધારી ટોળીએ વૃદ્ધ દંપતી ઉપર જોર જુલમ ગુજારી લૂંટ ચાલવાની ઘટનાને પગલે લોકોને પોલીસ ઉપરથી જાણે વિશ્વાસ ઉઠી ગયો હોય એમ પોલીસના ભરોસે રહેવાને બદલે ગામે ગામથી લોકો ખુદ પોતાના જાનમાલના રક્ષણ માટે આગળ આવી રાત્રી પહેરો શરૂ કર્યો છે.

મોરબીના અગાઉ બે ગામોએ તસ્કરોનો તરખાટ અટકવવા માટે જાતે જ સતર્ક બનીને દરરોજ રાત્રે અમુક-અમુક લોકોએ રાત્રી પહેરો શરૂ કર્યા બાદ હવે મોરબીના ખેવારીયા ગામના નવજીવનનગરના લોકોએ પણ રાત્રી રોન શરૂ કરી છે. આ અંગે ગામના કેશવજીભાઈએ જણાવ્યું હતું કે, અન્ય ગામોમાં ખાસ તો ઠંડીનો ગેરલાભ ઉઠાવી અસામાજિક તત્વો ચોરી, લૂંટફાટ, ઉઠાંતરીના બનાવોને અંજામ આપતા હોવાથી આ ગામ પણ આવી ઘટનાઓનો ભોગ બને તે પહેલા સતર્ક થવું જરૂરી હોય બધા ગ્રામજનોએ ભેગા મળી મીટીંગમાં દરરોજ રાત્રે છ જેટલા લોકો ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરી હાથમાં ધોકા લઈ ગામની દરેક શેરીમાં ફરી જાગતે રહો નું કહીને રાત્રી પહેરો કરવાનું નક્કી થતા જ તાજેતરમાં આ ગામમાં હવે રોજેરોજ રાત્રે છ જેટલા વડીલો કે યુવાનો આખી રાત દરેક શેરીમાં ફરીને તસ્કરો તરખાટને અટકાવીને  ગામના જાગૃત નાગરિક તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે. આથી પ્રશ્ન એ છે કે, વારાફરતી એક પછી એક ગામો સ્વંય જાગૃત થઈ રહ્યા હોય ત્યારે પોલીસ ક્યારે જાગૃત બનીને તેની ફરજ યોગ્ય રીતે બજાવશે ?