મોરબીના સીરામીક ઉધોગે છેલ્લા બે દાયકામાં ઉતરોતર એવો અકલ્પનિય વિકાસ સાધ્યો છે કે, મોરબી દેશમાં જ નહીં વિદેશમાં પણ છવાઈ ગયું છે. સાથેસાથે કડવી કડવી વાસ્તવિકતા એ પણ છે કે, સીરામીકમાં કામ કરતા શ્રમિકોની સલામતીની કોઈ વ્યવસ્થા જ નથી. જીવના જોખમે કામ કરતા શ્રમિકો ઉપર અવારનવાર મોતની આફત ઉતરતી હોવાની અનેક ઘટનાઓ વચ્ચે આજે સીરામીક કારખાનામાં સલામતીના અભાવે વધુ એક શ્રમિકનો ભોગ લેવાયો છે.
મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ એકોર્ડ પ્લસ સિરામિક ફેકટરીમાં પતરા ઉપર કામ કરતી વેળાએ ઉતરપ્રદેશનો વતની રામસુરત રાજકુમાર ગૌતમ ઉ વ .31 નામનો શ્રમિક નીચે પટકાતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જો કે આવી અકસ્માતમાં મોતની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. તેથી આ ફેકટરીઓ સાથે જોડાયેલા શિક્ષિત અને અનુભવી લોકો કહે છે, ઘણા એકમોમાં ફેકટરીના રુલ્સ એન્ડ રેગ્યુલેશનનો અમલ જ થતો નથી. એક વાત એ પણ સત્ય છે કે, સીરામીકમાં તમારી કાબેલિયત મુજબ ધારો તેટલા એટલે લાખો કમાઈ શકો પણ એની સામે કડવી વાસ્તવિકતા એ પણ છે કે, સલામતીની કોઈ ગેરંટી નથી. તેથી અણમોલ જિંદગીના ભોગે લાખો રૂપિયાની કમાણી એકદમ નીરથર્ક છે. ત્યારે આ બનાવની પોલીસે પણ રૂટિન અકસ્માતે મોતની ઘટના દાખલ કરી રૂટિન કાર્યવાહી સિવાય કશું જ નહીં કરતા શ્રમિકો તો ઠીક ખુદ માલિકોની સલામતી રામભરોસે થઈ ગઈ છે.