મોરબી : મોરબી જિલ્લાના તમામ પુરવઠા ગોડાઉનમાં વાંકાનેર એફસીઆઈ ગોડાઉનથી ઘઉં - ચોખા પુરા પાડવા અને મજૂરો પુરા પાડવાનો કોન્ટ્રાકટ ધરાવતા ઇસમે સમયસર કામગીરી ન કરતા આ બાબતે જિલ્લા પુરવઠા ગોડાઉનના ડેપ્યુટી મેનેજરે કોન્ટ્રાક્ટરને જાણ કરતા સારું નહિ લાગતા કોન્ટ્રકટરે અધિકારીને વોટ્સએપ કોલ કરી ગાળો આપી ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.
મોરબી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વર્ષ 2023થી2025 સુધી વાંકાનેર એફસીઆઈ ગોડાઉનથી મોરબી જિલ્લાના અન્ય તાલુકાના પુરવઠા ગોડાઉન સુધી ઘઉં અને ચોખાનો જથ્થો પહોંચાડવા તેમજ મજૂરો પુરા પાડવાનો કોન્ટ્રાકટ આશિયાના કોટન વર્ક્સ નામની પેઢીને આપેલ છે. જેમાં કોન્ટ્રાકટર પેઢી દ્વારા સમયસર સેવા પૂરી પાડવામાં ન આવતી હોવાથી અવાર નવાર આ બાબતની જાણ કોન્ટ્રકટરમાં માણસ મહેબૂબ આઈ.સોલંકી રહે.રાજકોટ વાળાને કરવા છતાં કામગીરી ન કરતા જાહેર વિતરણ વ્યવસ્થાને અસર પહોંચતા ગોડાઉન ડેપ્યુટી મેનેજર દેવેન્દ્રસિંહ ઉદેસિંહ સોલંકીએ આ બાબતે મહેબૂબ સોલંકીને મૌખિક અને ટેલિફોનિક સૂચના આપતા આરોપીને સારું નહિ લાગતા આરોપી મહેબૂબ સોલંકીએ ગઈકાલે વોટ્સએપ કોલ કરી ગાળો આપી ધાક ધમકી આપતા બનાવ અંગે પુરાવા સાથે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.