મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડની ખરાબ હાલતને કારણે આસપાસની અનેક સોસાયટીની મહિલાઓ સહિતના મોટી લોકો આજે સાંજે શનાળા રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી દીધો હતો. તેથી શનાળા રોડ ઉપર આ બાજુ નવા બસ સ્ટેન્ડ તેમજ બીજી તરફ ઉમિયા સર્કલ શનાળા સુધી ટ્રાફિકજામ થવાથી હજારો લોકો અટવાયા હતા. જેથી આર.બી.ન્યુઝના ફાઉન્ડર રવિભાઈ બરાસરાએ ઘટનાસ્થળે દોડી જઈને આ બનાવનું સૌથી વિશેષ કવરેજ કર્યું હતું. જેમાં મહિલાઓએ પોતાની આપવીતી વર્ણવી હતી કે, અમને રોડ ઉપર ઉતરી આવવાનો કાઈ શોખ થતો નથી. અમે સારા ઘરના મહિલાઓ છીએ.અત્યારે અમારે ઘરના રાત્રીના ભોજનની વ્યવસ્થા કરવાની હોય છે. પણ ખરાબ રોડના ખાડા એટલા બધા છે જેમાં અમે અને અમારા બાળકો સહિતના પરિવારજનો રોજ એમાં પડીએ છીએ અને હાથપગ ભાંગે છે. આ વેદના એટલી બધી છે કે આજે અમારે નાછૂટકે રોડ ઉપર ઉતરી આવવું પડ્યું છે. જો કે મહિલાઓએ ધારાસભ્યને આડે હાથ લઈ 25 વર્ષમાં તેમણે કોઈ કામો જ ન કર્યા હોવાનો આક્ષેપ કરી મત વખતે જ દેખાતા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો કે આજે ખાસ કરી મહિલાઓએ નારી શક્તિબો પરિચય બતાવ્યો તે જોતા મત વખતે આંબા આંબલી દેખાડતા નેતાઓને અને મનપાના અધિકારીઓને હવે લાપરવાહી ભારે પડશે.