મોરબીના હદય ગણાતા નહેરુ ગેઇટ ચોક વગર વરસાદે બારેમાસ પાણી-પાણી જ હોય છે. એનું કારણ છે કે, શહેરના મુખ્ય બજાર વિસ્તાર ગણાતા નહેરુ ગેઇટ ચોકમાં ભૂગર્ભ ગટરની પાલિકા તંત્ર દ્વારા સફાઈ કરાતી ન હોવાથી બારેમાસ ગટરની ગંદકી નદીના વહેણની જેમ નહેરુ ગેઇટ અંદરના રોડની વચ્ચોવચ જ વહેતી જ રહે છે. જો કે તંત્ર કદાચિત શહેરના છેવાડાના વિસ્તારની સમસ્યા અનદેખી કરે તો નવાઈ જેવું ન લાગે આ કારણ છે આજે પણ છેવાડાના વિસ્તારની બુરી હાલત છે અને ત્યાંના લોકો તંત્ર ઉપર ઓરમાયા વર્તનનો આક્ષેપ પણ કરે છે. ત્યારે શહેરના હાર્દ સમાં આ વિસ્તારની અવગણનાં કરે તે તંત્રની બેદરકારી ચરમસીમાએ પહોંચી હોવાનું સામે આવે છે. આ ગટર છેલ્લા ઘણા સમયથી ઉભરાય રહી છે. ઉપરાંત રોડ પણ ફૂટથી પણ પહોળા અને મોટા ખાડા પડી ગયા હોય અને ગટરના પાણી એ ખાડાને ઢાકી દેતા હોવાથી અકસ્માતની દહેશત વર્તાય રહી છે. આજે સવારે આ ગટર ભારે ઉભરાય હતી. જો કે ઘણા દિવસો પછી રવિવારે બજારમાં આટો મારવા કે ખરીદી માટે આવેલા લોકોને પણ ગટરની સમસ્યાથી ભારે હાલાકી પડી હતી. ગટરની ગંદકી રોડ ઉપર નદીના વહેણની જેમ વહેતી હોય ગટરના ગંદા પાણીમાં ચાલીને જવાની નોબત આવી હતી.જો કે આસપાસના અનેક વેપારીઓએ નગરપાલિકામાં રજુઆત કરી ગટરને કારણે ધંધો ચોપટ થઈ રહ્યો હોવાની વ્યથા ઠાલવી છતાં આ ગટરનો પ્રશ્ન હલ કરવા યોગ્ય કાર્યવાહી ન કરતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.