છરી વડે હુલ લેતી ગંભીર રીતે આધેડે રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
મોરબી : મોરબીમાં મહોરમ નિમિતે ગઈકાલે રાત્રે તાજિયા ઝુલૂસ દરમિયાન છરી વડે હુલ લેતી વખતે છાતીના ભાગે છરીનો ઉંડો ઘા લાગી જતા એક આધેડ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને નાજુક હાલતમાં જ તાત્કાલીક સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન કરુણ મોત નિપજતા તેમના પરિવાર અને મુસ્લિમ સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
મોરબીના ભોયવાડામાં ઉસ્માનીયા મસ્જિદ પાસે રહેતા અબ્દુલશા હાસમશા શાહમદાર (ઉં.વ. 55) રાત્રે 12:30 વાગ્યાના અરસામાં મોરબી ગ્રીન ચોક નહેરૂ બજાર પાસે તાજિયાના ઝુલૂસમાં ગયા હતા. ત્યાં તેઓ છરીની મદદથી હુલ લઈ રહ્યા હતા, તે વખતે અચાનક જ છરી તેમના છાતીના ભાગે લાગી ગઈ હતી. ગંભીર ઈજાઓ થતાં આસપાસના લોકોએ તેમને તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ બનાવની જાણ થતાં તેમના પરિવારજનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અબ્દુલશાનું મૃત્યુ નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી એ-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. મૃતક અબ્દુલશા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ 3 બહેન અને 5 ભાઈઓમાં નાના હતા. તેમના સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. અબ્દુલશાના અચાનક નિધનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ મોરબી પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી આગળની વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.