Saturday - May 18, 2024

સિંચાઇ માટે પાણી મળી રહે પણ પીવાના પાણી માટે મારવા પડતા વલખા

સિંચાઇ માટે પાણી મળી રહે પણ પીવાના પાણી માટે મારવા પડતા વલખા

 ટંકારાનું છેવાળાનું અને ઉચાણમાં આવેલુ મહેન્દ્વપુર ગામમાં વિચિત્ર પરિસ્થિતિ સામે આવી છે. જેમાં ગામમાં ખેત ખલિયાન હર્યા ભર્યા છે. આ ખેતરો લીલાછમ હોવા પાછળ સિંચાઇની પૂરતી સુવિધા જવાબદાર છે. સિંચાઇ માટે પૂરું પાણી મળે છે. પણ પીવા માટે પૂરું પાણી મળતું નથી.એની પાછળ ગામ છેવાડાનું અને ઉચાણમાં હોવાની દુહાઈ દેવામાં આવે છે. પાણી તો નિયમિત ન આપ્યું પણ પાણી નિયમિત મળે તે માટે તંત્રએ ઉભા ટાંકાની મંજૂરી પણ આપી નથી. આથી ગામલોકોને છતે પાણીએ વલખા મારવાની નોબત આવી છે.

ટંકારા તાલુકાનું મહેન્દ્રપુર ગામના સરપંચ છાયાબા રવિરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે,આ ગામ 500 વર્ષ જૂનું અને ગામની વસ્તી 700 અને મુખ્ય વ્યવસાય ખેતી હોય અને ખેતી માટે સિંચાઇની સુવિધા છે પણ પીવાના પાણીની વિકટ સમસ્યા છે. એકાતરા પાણી વિતરણ ઉપરથી ઓછા ફોર્સથી અપૂરતું પાણી મળતા ગ્રામજનો હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની તરસ છીપાવવા આકરાપાણીએ થઈ ગયા છે. આ તાલુકાનું છેલ્લું ગામ હોવાથી ગામની ઉંચા નીચી જમીન હોય પાણી વિતરણમાં તકલીફો પડતી હોવાનું તંત્ર રટણ કરે છે.આથી  એટલે ગામલોકોને પાણી નિયમિત પહોંચાડવા અને ઉંચી નીચી જમીન સમથળ કરી પાણીના સંગ્રહ માટે ઉભા પાણીના ટાંકાની પણ સરકારે મંજૂરી ન આપી એવો ગ્રામજનોએ નિસાસો નાખ્યો છે.

શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ અને આરોગ્ય કેન્દ્રનો અભાવ

પાણીના સંગ્રહ માટે અને શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ મંજુર થઈ ગયો હોવા છતાં હજુ સુધી મળ્યો નથી. તેથી ગામલોકોનું આરોગ્ય જોખમાય શકે એમ છે. 50 ટકા રોડ રસ્તા, 70 ટકા ભૂગર્ભ ગટર, કચરા નિકાલની વ્યવસ્થા, લાઈટ, પ્રાથમિક શાળા માત્ર 1થી5 સુધીની જ હોય આગળ ભણવા માટે 3 કિમિ દૂર નાના રામપર અથવા નસીતપર જવું પડે છે. તેમજ આરોગ્ય કેન્દ્રનો અભાવ હોવાથી ગામલોકોને ભારે હાલાકી પડે છે.

ગાડા માર્ગોથી ભારે મુશ્કેલી

ગામમાં તો હજુ સુધી 50 ટકા જ રોડ બન્યા હોય તેમજ આ ગામને જોડતા કાચા માર્ગથી ભારે મુશ્કેલી પડે છે. જેમાં મહેન્દ્રપુરથી ચાંચાપર, નેસડા, ખાનપર, મેઘપર ઝાલા વગેરે ગામોને જોડતા માર્ગો કપરી હાલતમાં હોય વડાપ્રધાન મનરેગા સડક યોજના હેઠળ હજુ સુધી આ ગામોના માર્ગ નવા બન્યા નથી. રામનગરથી મોટારામનગર નો મેઈન રસ્તો પાસ થઈ ગયો છે. જે હાલ અતિશય ખરાબ હોય એ માર્ગ હજુ સુધી કામ ચાલું થયું નથી.

2016માં તૂટેલો નદી પરનો ચેકડેમ જોખમી બન્યો

2016માં આ ગામની નદી પરનો ચેકડેમ તૂટી ગયો હતો. જો કે આ ચેકડેમ નવો બનાવવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે અને નવો બનાવવા માટે પ્રથમ તબબકમાં હોવા છતાં હજુ આ ચેકડેમ નવો બનાવ્યો નથી. ત્યારે માથે ચોમાસુ આવતું હોય ફરી એકવાર ગામલોકોને મુસીબતોનો સામનો કરવો પડશે.

સિંચાઇ માટે પાણી મળી રહે પણ પીવાના પાણી માટે મારવા પડતા વલખા