મોરબીમાં પોલીસ અને કાયદાનો કોઈ ડર જ ન હોય અને ખાસ કરીને બુટલેગરો હપ્તાખોરીને કારણે પોલીસ પોતાના ખિસ્સામાં જ હોય એવા કૈફમાં રહેતા હોવાની ગંભીર બાબતને સાચી ઠેરવતી ઘટનામાં મોરબીના યુવા ભાજપ અગ્રણીને ખુલ્લેઆમ દારૂ વેંચતા બુટલેગરો સામે કાર્યવાહીની પોલીસને ફરિયાદ કરતા આ અગ્રણીને ભરી પીવા બુટલેગરોએ ધમકી આપી હોવાની પોલીસને લેખિત અરજી કરતા પોલીસ પણ લુખ્ખાઓને ઝેર કરવા મેદાને આવી એક શખ્સ સામે ગુન્હો નોંધી તેની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
મોરબીના જાણીતા યુવા ભાજપ અગ્રણી અને બિલ્ડર રૂચીરભાઈ કારીઆએ એ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, તેમના વિસ્તાર પરસોતમ ચોકમાં તાજેતરમાં 6થી 7 લુખ્ખા શખ્સો અડ્ડો જમાવીને બેઠા હોય અને ઘણા સમયથી અહીં પોલીસની જરાય બીક ન હોય એમ દારૂબંધી હોવા છતાં છડેચોક દારૂનો ધંધો કરીને આ વિસ્તારમાં ગેરકાયદે લોકોને નશાના રવાડે ચડાવવાનો હીન પ્રયાસ કરતા હોય આ દારૂની બદી બંધ કરવા અને બુટલેગરોને કાયદાનું ભાન કરાવવા પોલીસને ફોન પર જાણ કરી હતી. આ બાબતનો ખાર રાખી બુટલેગરોએ ફોન ઉપર રુચિરભાઈને ધમકી આપી હતી.આ અરજીના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં આરોપી સંજય ચૌહાણ નામના શખ્સે વોટ્સએપ નંબર 9638962945 ઉપરથી વોટ્સએપ કોલ કરી રુચિર કારીયાને બેફામ ગાળો ભાંડી ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપતા રુચિર કારીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે અરજીના આધારે ત્વરિત ગુન્હો દાખલ કરી તેની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.