Monday - Jul 06, 2026

મોરબીમાં સમસ્યા ઉકેલવા માટે લોકોને તંત્ર, નેતાઓ ઉપરથી વિશ્વાસ ઉઠ્યો

મોરબીમાં સમસ્યા ઉકેલવા માટે લોકોને તંત્ર, નેતાઓ ઉપરથી વિશ્વાસ ઉઠ્યો

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ ગ્રેડની ગણાતી મોરબી નગરપાલિકામાં દોઢેક વર્ષ પહેલાં ભાજપની બોડી ઝૂલતાપુલ કેસમાં ઘરભેગી થઈ હોય અને આટલું ઓછું હોય એમ દોઢ વર્ષથી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક જ થઈ નથી. એટલે અત્યારે હળવદ પ્રાંત અધિકારી પાસે ચાર્જ વહીવટદાર પણ ચાર્જમાં હોય આ બન્ને અધિકારી તેમના મૂળ ચાર્જમાં નવરા થાય તો નગરપાલિકામાં ધ્યાન આપે ને ? અધિકારી ન હોવાથી દરેક વિભાગનો સ્ટાફ આળસુ થઈ ગયો હોય એમ સફાઈના અભાવે ધૂળ, ઉકરડાના ગંજ, ઠેરઠેર ઉભરાતી ગટર, રખડતા ઢોરનો આંતક, રોડ રસ્તા ખરાબ, મોટાભાગે દિવસે પણ ચાલુ રહેતી લાઈટો,ઘણા વિસ્તારોમાં અંધારપટ્ટ અને પીવાના પાણીની અનિયમિતા સહિતના અનેક પ્રશ્નોનો નગરપાલિકામાં ઢગલો થાય છે. પણ ઉકેલ એકપણ સમસ્યાઓનો થતો નથી.

રાજકારણ ઈચ્છે તો એકપણ સમસ્યા ન રહે

જાગૃત નાગરિક સતીશભાઈ કાનાબારે જણાવ્યું હતું કે,દોઢ વર્ષથી આવડા મોટા મોરબી શહેરમાં ચીફ ઓફિસરની નિમણૂક નથી થતી એમાં રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ છે. રાજકારણ એટલે સ્થાનિક નેતાઓ એકમત થઈને મેદાને આવે તો શહેરમાં એકપણ સમસ્યા ન રહે. હમણાં આ બાબતને નાના કાર્યકરોથી માંડીને નેતાઓએ સાબિત કરી દીધી છે. જેમાં મત માંગવા ટાણે આ રાજકીય લોબીએ તમામ તાકતો કામો લગાડી હતી. તો સમસ્યા ઉકેલવા આવી તાકાત કેમ નથી દેખાડતા. શહેરની તમામ સમસ્યા ઉકેલવાની ધારાસભ્ય સહિત તમામ નાનાથી મોટી રાજકીય લોબીની જવાબદારી છે.કા આ લોકોને રસ નથી અથવા તો તેમનું ઉપર કાંઈ ઉપજતું નથી.

હમણાં ચૂંટણીમાં મત માંગવા ટાણે તમામ કાર્યકરોથી માંડીને નેતાઓ એક થઈને તમામ તાકાતો લગાડી દેતા હોય તો લોકોની સમસ્યા ઉકેલવા માટે આટલી મહેનત કેમ કરતા નથી : જાગૃત નાગરિકોનો આક્રોશ

સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે એનાથી પ્રજાને તંત્ર અને ચૂંટાયેલા નેતાઓ તેમજ સરકાર ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. કોઈપણ મુશ્કેલી માટે લોકો હવે મીડિયા પાસે જાય છે.નહિતર પહેલા તંત્રને ફોન કરવો જોઈએ પણ અગાઉ તંત્રને ફરિયાદ કરી કરીને થાકી ગયા છતાં નિભર તંત્ર ઊંઘમાંથી ઉઠતું ન હોય અંતે મીડિયામાં એ મુદ્દો ગાજે તો ત્યારે તંત્રની જાડી ચામડી થોડી કુણી પડે છે. જો કે પ્રશ્નો એટલા બધા વધી ગયા છે કે મોરબીમાં કદાચ કોઈ સારો નિષ્ઠાવાન અધિકારી આવશે તો એ પણ સમસ્યાઓ ઉકેલીને થાકી જશે અને અંતે ભાગી જશે. હવે કોર્પોરેશન આવવાનું હોય ઉજળા સંજોગોની આશા જાગી છે.

કરવેરા ભરવા છતાં પ્રજાને સુવિધા રૂપી વળતર મળતું નથી

સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ જણાવ્યું હતું કે, મોરબી આવડી મોટી સીરામીક સીટી હોવા છતાં કોઈ જાતની સુવિધા નથી. ખાસ તો અત્યારે બાળકોનું વેકેશન ચાલતું હોય પણ બાળકોને નિર્દોષ આનંદ કિલ્લોલ મેળવવા એકપણ સારો બગીચો નથી. લાતીપ્લોટ સહિત ઘણા બધા વિસ્તારમાં પુરે પૂરો ટેક્સ આપવા છતાં સુવિધા રૂપી વળતર અપાતું નથી. પાલિકામાં અધિકારીઓ હાજર હોતા નથી. લોકો રજુઆત કરવા જાય ત્યારે નીચેનો સ્ટાફ ઠાલા આશ્વાસનો આપીને તગેડી મૂકે છે. મોરબીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી છે. આ શહેર કરતા તો નાનું એવું ગામ પણ સ્વચ્છ અને શુદ્ધ હોય છે. ભૂગર્ભ ગટર સહિતની અનેક રજુઆત કરી છે પણ નેતાઓ કે તંત્રનું જરાય રૂવાડું ફરક્યું નથી. એટલે આજે મોરબીની જે નર્કગાર જેવી સ્થિતિ છે તેના માટે નબળી નેતાગીરી પણ જવાબદાર છે.