મોરબી: એક તરફ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને 'સૌરાષ્ટ્રનું પેરિસ' ગણાવી વિકસિત મોરબીની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ શહેરની હદમાં આવેલી એક સોસાયટી છેલ્લા ત્રણ વર્ષથી પાણીની બૂમો પાડી રહી છે. ન્યૂ ચંદ્રેશ નગરની બાજુમાં આવેલ રૂષભ પાર્ક સોસાયટીના રહીશો પાણીના પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષના લાંબા ગાળા દરમિયાન આ સોસાયટીમાં પીવાનું પાણી આવ્યું જ નથી. સમયસર નિયમિત વેરા ભરતા હોવા છતાં, સોસાયટીના લોકોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.
તંત્ર સામે રોષ અને આજીજી:–
પાણીના પ્રશ્નના નિરાકરણ માટે સોસાયટીના લોકોએ અનેકવાર મહાનગરપાલિકા કચેરીએ જઈને લેખિત અરજીઓ આપી છે. આ ઉપરાંત, સ્થાનિક લોકોએ કમિશનર તથા ડેપ્યુટી કમિશનરને રૂબરૂ મળીને પણ આજીજી કરી હતી, પરંતુ આજ સુધી આ પાણીની ગંભીર સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં ન લેવાતા, રૂષભ પાર્ક સોસાયટીના લોકોએ ભેગા મળીને છેલ્લે તા. *14/11/2025 (શુક્રવાર)*ના રોજ મહાનગરપાલિકાને લેખિત અરજી આપી હતી અને આ સમસ્યા ઉકેલવા માટે 7 દિવસનો સમય આપ્યો હતો.
રેલી અને ધરણાંની ચીમકી:–
આજ દિવસ સુધી કોઈ ઉકેલ ન આવતા, સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, તેઓ આવતીકાલ એટલે કે બુધવાર સુધી ધીરજ રાખશે. જો બુધવાર સુધીમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો ગુરુવારના રોજ સમસ્ત સોસાયટીના ભાઈઓ, બહેનો, વડીલો તથા બાળકો સાથે એક વિશાળ રેલી કાઢવામાં આવશે અને મહાનગરપાલિકા કચેરીએ ધરણાં કરવામાં આવશે.