Monday - Feb 17, 2025

ચેતજો :યદુનંદન ગૌશાળાના નામે લક્કી ડ્રોની જાહેરાત એકદમ ખોટી હોવાની સંચાલકની સ્પષ્ટતા

ચેતજો :યદુનંદન ગૌશાળાના નામે લક્કી ડ્રોની જાહેરાત એકદમ ખોટી હોવાની સંચાલકની સ્પષ્ટતા

મોરબીની યદુનંદન ગૌશાળાના ડ્રોના નામે સોશિયલ મીડિયામાં સ્કેમ ચાલી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. આ મામલે ગૌ શાળાના સંચાલકે લોકોને સચેત રહેવા અને આવી લોભમણી જાહેરાતમાં ન આવવા અપીલ કરી છે.

સોશિયલ મીડિયામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ફોટો સાથે નોકરી આપવાની લાલચે સાયબર ગઠિયાઓ દ્વારા સ્કેમ થતું હોવાની ઘટના તાજેતરમાં બની હતી. ત્યાં હવે ફરી સોશિયલ મીડિયામાં નવો એક સ્કેમ આવ્યો છે. મોરબીના લીલાપર રોડ ઉપર વર્ષોથી યદુનંદન ગૌશાળા ચાલી રહી છે. તેના નામે લક્કી ડ્રોની જાહેરાત સોશિયલ મીડિયામાં થઈ રહી છે. જો કે ગૌ શાળાના સંચાલકે સ્પષ્ટતા કરી છે કે ગૌશાળા દ્વારા આવા કોઈ ડ્રોનું આયોજન કરવામાં આવ્યુ નથી.

ગૌ શાળાના સંચાલક કાનજીભાઈ જારીયા જેઓ નિસ્વાર્થ ભાવે વર્ષોથી ગૌ સેવા કરી રહ્યા છે. તેઓએ આ મામલે જણાવ્યું કે યદુનંદન ગૌશાળા ક્યારેય મકરસંક્રાતિએ પણ સ્ટોલ રાખી દાન ઉઘરાવતી નથી. સોશિયલ મીડિયામાં ગૌ શાળાના નામે જે લક્કી ડ્રોની જાહેરાત કરવામાં આવી છે. તે ખોટી છે. કોઈ પણ આવી લોભામણી લાલચમાં આવે નહિ તેવી અપીલ છે.